- જશોદા નગર નજીક પીવાના પાણીની લાઈનમાં ભંગાણ
- પાઇપલાઇનમાં ભંગાણ થતા શુદ્ધ પાણીનો વેડફાટ
- તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર બેદરકાર
અમદાવાદ : શહેર હવે સ્માર્ટ સીટી બની ગયું છતાં પણ અનેક પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરના જશોદા નગર વિસ્તારમાં આવેલા ઓવરબ્રીજ નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં શુદ્ધ પાણીનો બગાડ થઈ રહ્યો છે.
રજૂઆત કરવા છતાં પણ કોઇ ઉકેલ નહીં
મહત્વનું છે કે, અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા ઓવરબ્રીજ નજીક પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે. તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર બેદરકાર બન્યું છે. કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે પાણીનો બગાડ થઇ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને સ્માર્ટ બનાવવાની સાથે સાથે તમામ વ્યવસ્થાની મોટી વાતો કરવામાં આવતી હોય છે. પરંતુ શુદ્ધ પાણીના બગાડ સાથે પાણીનો રેલો 500 ફુટ દુર આવેલા ગટરમાં વહી રહ્યો હોવા છતાં કોર્પોરેશનનું તંત્ર બેદરકાર બની રહ્યું છે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનો નિવેડો હજી સુધી આવ્યો નથી.
પીવાના પાણીની સમસ્યાનો અંત ક્યારે તે પણ એક પ્રશ્ન
સ્માર્ટ સીટીની મોટી વાતો થતાં અમદાવાદના અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં ટેન્કર હજુ પણ યથાવત છે. ત્યારે અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો બગાડ થતો પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ક્યારે જાગશે અને પીવાના પાણીની સમસ્યાનો અંત ક્યારે આવે છે, તો આ રીતે વેડફાતું પાણી ક્યારે અટકાવે છે તે પણ જોવાનું રહ્યું.