અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના કોંગ્રેસી નેતા દિનેશ શર્માનો શનિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને સારવાર માટે SVP હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડથી કોંગ્રેસના કોર્પોરેટર અને કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિનેશ શર્માના પુત્ર અર્પણ શર્માનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જોકે તેમના પત્નીને હાલ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, અગાઉ બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બહેરામપુરાથી કોંગ્રેસી કોર્પોરેટર કમળાબેન ચાવડાનું પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ મણીનગરના કોર્પોરેટર રમેશ પટેલનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આમ હાલ અમદાવાદમાં કુલ 10 જેટલા કોર્પોરેટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ગત્ત મહિને કોંગ્રેસના જમાલપુર-ખાડિયાથી ધારાસભ્ય ઇમરાન ખેડવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ SVPમાં સારવાર બાદ તેમણે રજા આપવામાં આવી હતી. કોરોના મહામારીને લીધે અમદાવાદ શહેરમાં લગભગ 250 જેટલા દરરોજ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે તેમના પ્રતિનિધિ પણ આમાંથી બાકાત નથી. ગુજરાતમાં 1000થી વધુ દર્દીઓના કોરોનાથી મોત થયા છે.