- કોરોનાના સંક્રમણથી વૃદ્ધોના સૌથી વધુ મોત
- સીનીયર સીટીઝનમાં હોય છે, રોગપ્રતિકારક શક્તિની ઉણપ
- કોરોના સંક્રમિત વૃદ્ધોની વિશિષ્ટ કાળજી જરૂરી
- કો-મોર્બીડીટીના કારણે કોરોનામાં મૃત્યુઆંક વધુ
અમદાવાદઃ તબીબોનું માનવું છે કે, કોરોનાથી મૃત્યુ પામતા વ્યક્તિઓ એક કરતાં વધુ રોગોથી પીડિત હોય છે. જેને કો-મોર્બીડીટી કહે છે. જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડનીની બીમારી, શ્વાસનળીની બીમારી, અસ્થમા વગેરેનો સમાવેશ થાય છે. આજે કોરોનાથી મૃત્યુ પામતા મોટાભાગના લોકો કો-મોર્બીડ જોવા મળે છે.
વૃદ્ધો કોરોના પોઝિટિવ આવે તો તેમને હોસ્પિટલાઈઝ કરવા જોઈએ, ક્વોરેન્ટાઇન નહીં
દરેક ઘરમાં દરેક વ્યક્તિને પોતાના સ્વજનો પ્રિય હોય તે સ્વાભાવિક છે. ત્યારે ETV BHARAT દ્વારા એવી પહેલ કરવામાં આવી રહી છે કે, વૃદ્ધ વ્યક્તિઓ જ્યારે કોરોનાગ્રસ્ત થાય ત્યારે તેમને તાત્કાલિક ધોરણે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને તેમના માટે અલગ વોર્ડ બનાવવામાં આવે. ડૉક્ટરોનું કહેવું છે કે, વૃદ્ધ વ્યક્તિઓમાં કોરોનાના લક્ષણો જલ્દી દેખાતા નથી અને જ્યારે તેમને દાખલ કરવામાં આવે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. એટલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ વૃદ્ધો દર્દીને હોસ્પિટલાઈઝ કરવા જોઈએ, હોમ ક્વોરેન્ટાઇન નહીં.
કોરોના ફેફસામાં ન્યુમોનિયા કરે છે અને ફેફસા પર સોજો આવે છે, વૃદ્ધોના ફેફસા નબળા હોય છે
વૃદ્ધોના સ્પેશિયલ ડૉક્ટર એવા જીરિયાટ્રીશિયન ડૉક્ટર ઇર્ષાન ત્રિવેદી જણાવે છે કે, કોરોના વાઇરસ જ્યારે મો કે નાક વાડે શરીરમાં પ્રવેશે છે. ત્યારે તે ફેફસામાં પ્રવેશીને ન્યુમોનિયા કરે છે. પરિણામે ફેફસા પર સોજો આવી જાય છે અને ફેફસાની કોથળીઓમાં કફ જમા થાય છે. જેથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સીટી સ્કેનમાં ફેફસાના સોજાને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. કોરોના વાઇરસનું 21 દિવસનું સાયકલ હોય છે. જેમાં પ્રથમ 7 દિવસમાં તાવ અને ઉધરસ જેવા લક્ષણો જોવા મળે છે. ત્યારબાદ શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, તાવ વગેરે લક્ષણો જોવા મળે છે.
વૃદ્ધોમાં પ્રથમ સાત દિવસ કોરોનાના લક્ષણો દેખાતા જ નથી, તેમને સીધા ચેપના બીજા તબક્કામાં સારવાર મેળવે છે.
વૃદ્ધોમાં ચેપ લાગ્યાના પ્રથમ સાત દિવસ સુધી લક્ષણો દેખાતા નથી. પરિણામે સારવારનો પ્રથમ તબક્કો ગુમાવવો પડે છે. તેમને સીધા ફેફસાના સોજાના તબક્કામાં પહોંચે છે. જેથી તેમને થાક લાગવો, શ્વાસ ચડવો, ગભરામણ થવી, છાતીમાં દુખાવો થવો જેવા બીજા તબક્કાના સીધા લક્ષણો જોવા મળે છે. જે ખૂબ જ ગંભીર સમસ્યા છે. પરિણામે જ્યારે તેમને હોસ્પિટલાઈઝ કરવામાં આવે છે, ત્યાં સુધી મોડું થઈ ચૂક્યું હોય છે અને ઓક્સિજન કે વેન્ટીલેટર પર રાખવાની ફરજ આવે છે, જેથી મૃત્યુ દર ઉંચો રહે છે.
અમદાવાદના ઘરડાઘરમાં 55 સિનિયર સીટીઝન આવ્યા હતા કોરોના પોઝિટિવ
અમદાવાદમાં અંકુર વિસ્તારમાં જીવનસંધ્યા ઘરડાઘરના મેનેજીંગ ટ્રસ્ટી દીપલ શાહે જણાવ્યું હતું કે, તેમને જ્યારે વૃદ્ધશ્રમ ચલાવતા હોય, ત્યારે વૃદ્ધોની સ્વાસ્થ્યની કાળજીને લઈને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. શરૂઆતના પાંચ વૃદ્ધોને કોરોનાના લક્ષણો જણાતા, તાત્કાલિક જ તેમને નજીકના અર્બન હેલ્થ સેન્ટરને જાણ કરવામાં આવી હતી. તેમનો સારો સહયોગ મળતા પાંચેય સિનિયર સીટીઝન સ્વસ્થ્ય થાય હતા, પરંતુ ત્યારબાદ વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક સિનિયર સીટીઝનનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમા સમગ્ર ઘરડાઘરમાંથી 55 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સમગ્ર વૃદ્ધાશ્રમને ક્વોરેન્ટાઇન વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવતા તેમને સ્વસ્થ થયા હતા, એટલે તાત્કાલિક સારવાર અત્યંત આવશ્યક છે.
કોરોના સંક્રમણ બાબતે સાવધાની રાખવી જરૂરી
ઘરડા માણસો માટે કોવિડ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ રાખવો જોઈએ. નાના બાળકોની સંભાળ રાખવા જેમ પીડીયાટ્રીક ડૉકટર હોય છે. તેમ કોરોનાગ્રસ્ત વૃદ્ધોની સંભાળ માટે સ્પેશિયલ ડૉકટર હોવા જરૂરી છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ પણ વૃદ્ધોને કોરોના ટેસ્ટમાં અને સારવારમાં અગ્રતાક્રમ આપવો જોઈએ. જ્યારે યુવાઓએ પણ પોતાને ચેપ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને તેમના દ્વારા તેમના ઘરના વડીલોને ચેપ ન લાગે બીજી તરફ વૃદ્ધોએ પણ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઇએ તેમજ સાવચેતીઓ રાખવી જરૂરી છે.