ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની આજે રવિવારના રોજ બપોરના 12 થી 2 વાગ્યાની આસપાસ બ્રેન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. જેમાં તાત્કાલિક ધોરણે અનુજ પટેલને અમદાવાદના એસજી હાઇ-વે પર વૈષ્ણોદેવી મંદિરની સામે આવેલ કેડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં અઢી વાગે તેઓને કેડી હોસ્પિટલ ખાતે દાખલ કરીને જરૂરિયાત મુજબની સર્જરી કરવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત પરિવારજનો હોસ્પિટલમાં હાજર છે.
કે.ડી. હોસ્પિટલ મેડિકલ બુલેટિન બહાર પાડ્યું: અમદાવાદના એસજી હાઇ-વે પર આવેલ કેડી હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન ઇસ્યુ કરવામાં આવ્યું હતું. બુલેટિનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્યના મુખ્યપ્રધાન પટેલના સુપુત્ર અનુજ પટેલને બ્રેન સ્ટોપ થતા તાત્કાલિક સારવાર માટે 2.45 કલાકે KD હોસ્પિટલ ખાતે દાખલ કરી સર્જરી કરવામાં આવેલ હતી. હાલ તેઓની તબિયત સ્થિર છે અને તજજ્ઞ ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હોવાનું સત્તાવાર નિવેદન કેડી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર પાર્થ દેસાઈએ આપ્યું હતું.
આરોગ્ય પ્રધાને લીધી હોસ્પિટલની મુલાકાત: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અનુજ પટેલને બ્રેન સ્ટોકનો હુમલો થતા રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત તેમના પરિવારજનો પણ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા. પાપ્ત વિગતો મુજબ અનુજ પટેલનું 2 કલાક ઓપરેશન કરવામાં આવ્યું છે.
બ્લડપ્રેશરની તકલીફ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા: મળતી માહિતી પ્રમાણે અનુજ પટેલને બ્લડપ્રેશરની તકલીફ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે કલાક સુધી સારવાર ચાલી છે. અનુજ પટેલને હોસ્પિટલમાં બે દિવસ ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે.