અમદાવાદઃ સુરતમાં થયેલો ગ્રીષ્મા હત્યાકાંડ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે અમદાવાદમાં પણ આવો જ હત્યાકાંડ થતા થતા રહી ગયો હોવાની ઘટના સામે આવી છે. અહીં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પરીણિત યુવતીના ઘરે જઈને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
યુવતીનો જીવ બચી ગયોઃ કૉલેજના સમયમાં યુવતીએ આરોપીનો પ્રેમ ન સ્વીકારતા પ્રેમીએ દોઢ વર્ષ બાદ ખૂની બદલો લીધો છે. જોકે, આ ઘટનામાં યુવતીનો જીવ બચી ગયો છે. ચાંદખેડા પોલીસે આ મામલે સર્વેશ રાવલ નામના યુવકની ધરપકડ કરી તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.
આરોપીએ કૉલેજના મિત્રો પણ આવી રહ્યા હોવાનું જણાવ્યું હતુંઃ મળતી માહિતી અનુસાર, ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક પરીણિત યુવતી ઘરે હતી. ત્યારે કૉલેજનો એક મિત્ર સર્વેશ તેને મળવા માટે આવ્યો તે સમયે યુવતીનો પતિ પણ ઘરે હાજર હતો. સર્વેશે કૉલેજના અન્ય મિત્રો પણ ત્યાં આવી રહ્યા હોવાનું જણાવતા યુવતીનો પતિ દૂધ લેવા બહાર ગયો હતો. તે જ સમયે આરોપી સર્વેશે યુવતીની એકલતાનો લાભ લઈને કૉલેજ સમયનો પ્રેમ અસ્વીકાર કરવા બદલ છરી વડે હુમલો કરીને બદલો લીધો હતો. તેમ જ પરિણીતાને ગળાના ભાગે તેમ જ અન્ય ભાગે છરીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરી લોહીલુહાણ હાલતમાં મુકીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ થોડી વારમાં યુવતીનો પતિ ઘરે આવ્યો હતો.
બદલો લેવા આરોપીએ કર્યો હુમલોઃ યુવતીનો પતિ તેને લઈને હોસ્પિટલ પહોંચતા તેનો જીવ બચી ગયો હતો. પોલીસે આ ઘટનાને લઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પરિણીત યુવતીને બેડરૂમમાં લઈ જઈને સર્વેશે પગના ભાગે છરીથી હુમલો કર્યો હતો. ત્યારબાદ સર્વેશ યુવતીને એકલા જાણીને પહેલા વાળ પકડીને ગળાના ભાગે છરી મારી હતી. જોકે, યુવતીએ રોકવાનો પ્રયાસ કરતા પીઢના ભાગે બે છરીના ઘા ઝંકી લોહીલુહાણ કરી હતી. પરીણિત યુવતીએ બૂમાબૂમ કરતા આરોપી સર્વેશ ફરાર થઈ ગયો હતો. આ યુવતી આરોપી સર્વેશ સાથે 2019માં અભ્યાસ કરતી હતી. તેમની કૉલેજમાં સારી મિત્રતા હતી, પરંતુ આરોપી સર્વેશને એક તરફી પ્રેમ થઈ ગયો અને યુવતીએ પ્રેમનો અસ્વીકાર કરીને અન્ય યુવક સાથે લગ્ન કરી દેતા આરોપીએ બદલો લેવા માટે નક્કી કર્યું હતું.
પોલીસે શરૂ કરી પૂછપરછઃ આ મામલે આરોપીને ઝડપી તપાસ કરતા સામે આવ્યું કે, સર્વેશ રાવલ આસ્ટોડિયામાં ઢાળની પોળમાં રહે છે અને ગ્રેજ્યુએશન કરી ખાનગી નોકરી કરે છે. હાલ, ચાંદખેડા પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને આ હુમલા પાછળ અદાવત હતી કે અન્ય કારણ તેની પૂછપરછ શરૂ કરી છે.