અમદાવાદ : ચંદ્રયાન 3 ચંદ્રની ધરતી ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી લીધા બાદ અમદાવાદ સાયન્સ સીટી ખાતે વૈજ્ઞાનિકો તેમજ ઉપસ્થિત તમામ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ભારત માટે આ એક ગર્વની ક્ષણ છે અને સાઉથ પોલ પર લેન્ડીંગ કરનાર ભારત પહેલો દેશ છે. ત્યારે આવો જાણીએ લોકોએ શું કહ્યું...
ભારતની સિદ્ધિ : ચંદ્રની ધરતી પર ચંદ્રયાન 3 ના લેન્ડિંગને નિહાળવા માટે છેક મેરઠથી આવેલા સહાનીબેન જણાવ્યું હતું કે, મને આ જોઈને ખૂબ જ ખુશી થઈ રહી છે. આખા વિશ્વમાં ભારત દેશ અત્યારે છવાઈ ગયો છે. આ લાગણી વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો જ નથી. ભારત દેશે વિશ્વ ફલક ઉપર મહાનતા મેળવી છે. જ્યારે મેરઠથી આવેલા અન્ય મુલાકાતી કેનેટાએ જણાવ્યું હતું કે, આ સફળતા માટે હું તમામ દેશવાસીઓને ખૂબ જ શુભેચ્છા આપું છું. આપણા વૈજ્ઞાનિકોએ ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
સાયન્સ અને સોસાયટીના ડેવલોપમેન્ટ માટે આ ખૂબ જ મોટી સિદ્ધિ છે. પહેલીવાર આપણો ભારત દેશ ચંદ્ર ઉપર સફળતાપૂર્વક પહોંચ્યો છે. જે ભારતના ભવિષ્ય માટે ખૂબ જ સારું છે. વિશ્વ ફલક ઉપર ભારત એક લીડર તરીકે કામ કરશે.-- ડો. નરોત્તમ શાહુ (એડવાઈઝર,સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ)
વૈજ્ઞાનિકોની મહેનત : ચંદ્રયાન 3 મિશન અંગે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના એડવાઈઝર ડોક્ટર નરોત્તમ શાહુએ પોતાના પ્રતિભાવ જણાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, હવેથી ચંદ્રની દિશા કેવી હશે, તેની જમીન કેવી હશે, ત્યાંની સ્થિતિ કેવી હશે તે બધી જ વાતો આપણે આપણા ભારત દેશમાં ઈસરો થકી જાણી શકીશું. આ ઉપરાંત ચંદ્ર ઉપર પાણીનું સ્ટ્રક્ચર કેવું છે, ત્યાંની માટી કેવી છે તેમજ ત્યાં ધરતીકંપ આવે છે કે નહીં તે અંગે પણ જાણી શકાશે. ચંદ્ર પરના વાતાવરણ, ખનીજ અને તત્વો સહિતની સ્થિતિ હવે આપણને ચંદ્રયાન 3 પાસેથી જાણવા મળશે.
40 દિવસની સફર : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે આપણે સફળતાપૂર્વક જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. આ 40 દિવસની સફર હતી, તેમાં આપણા દેશના વૈજ્ઞાનિકોએ રાત-દિવસ એક કરી આજે આ સિદ્ધિ હાસિલ કરી છે. આજે ચંદ્ર પરની ઉડાન સાચા અર્થમાં હકીકત બની છે.
ભારતનું ભવિષ્ય : અમદાવાદમાં આવેલી સી.એન. વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ ચંદ્રયાનની સફળતા વિશે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે આજે ખૂબ જ ગર્વની ક્ષણ મહેસૂસ કરી રહ્યા છીએ. જ્યારથી ચંદ્રયાનને લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે અમારા સ્કૂલમાં પણ તેનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. તે દિવસથી લઈને અમને સતત અભ્યાસમાં પણ ચંદ્રયાન પણ વિશે માહિતી આપવામાં આવતી હતી. ત્યારે આજે સફળતાપૂર્વક ચંદ્રયાન 3 ને ચંદ્ર ઉપર લેન્ડિંગ કર્યું છે. આ ક્ષણને અમે નિહાળી શક્યા તે ગર્વની વાત છે.
ચંદ્રયાન 3 : વિદ્યાર્થીનીઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામે જ્યારે ચંદ્ર પર જઈશું એવું સ્વપ્ન બતાવ્યું હતું. તેને આજે આપણા ઈસરોના વૈજ્ઞાનિકોએ હકીકતમાં ફળીભૂત કર્યું છે. અમે પણ મોટા થઈને વૈજ્ઞાનિક બનવા માંગીએ છીએ અને ભારત દેશ માટે કંઈક કરી શકવાની આશા છે. જેનાથી આપણા દેશનું નામ વધારે ઊંચું થાય.