અમદાવાદ: અમદાવાદમાં બોગસ પત્રકારોનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. શાળાના સંચાલકો પાસેથી ડરાવી ધમકાવીને લાખો રૂપિયા પડાવનાર આશિષ કંજારિયાને પોલીસે ઝડપીને જેલ હવાલે કર્યો છે ત્યારે વધુ એક યુટ્યુબ ચેનલ ચલાવતા બોગસ પત્રકારે એક મહિલાને ડરાવી ધમકાવીને બે પાંચ લાખ નહીં પરંતુ અઢી ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માંગતા આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ત્રણ કરોડની માંગણી: અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવતા સીજી રોડ પર રહેતી અને આર્ટિસ્ટ તરીકે કામ કરતી યુવતીના ઘરે થોડા સમય પહેલા ઇન્કમટેક્ષની રેડ પડી હતી. જે રેડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી હતી. જોકે આ ઘટના બાદ યુવતીને એક ઝેડ પ્લસ નામની યુટ્યુબ ચેનલ ચલાવતા બોગસ પત્રકારે સંપર્ક કરી રેડના સમાચાર ના છાપવા પત્રકાર અઢીથી ત્રણ કરોડની માંગણી કરી હતી. આ ઉપરાંત ખોટો કેસ કરી ફસાવી દેવાની ધમકી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે યુવતીએ 2 વ્યક્તિઓ સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી: આ ઉપરાંત વિનય અને પરિધીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. 24 એપ્રિલે વિનય અને અર્પણ પાંડે નામનો એક વ્યક્તિ પણ તેમના ઘરે ગયા હતા અને તેમના ભાઈ રવિ વિશે વાત કરી હતી. વિનયે પ્રિયાને જણાવ્યું હતું કે અર્પણ હમણાં જ હત્યાના કેસમાં છૂટ્યો છે. જેથી તમને ખોટા કેસમાં ફસાવી દઈશુ.
આરોપી હાલ ફરાર: આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે નવરંગપુરાના પોલીસ સ્ટેશનના PI એ.એ દેસાઈએ જણાવ્યું હતું કે આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી ફરાર હોવાથી તેને ઝડપી પાડવા ટીમો કામે લગાડવામાં આવી છે.