અમદાવાદઃ બોટાદ પોલીસ અમદાવાદ ટ્રમ્પના બંદોબસ્તમાં હતા. અમદાવાદથી રીટર્ન બોટાદ તરફ જતા સમયે પોલીસની ગાડીને અકસ્માત થયો હતો. બગોદરાથી ધંધુકા હાઇવે ઉપર એક કિલોમીટરના અંતરે પોલીસની ગાડી નાળામાં અચાનક પલટાઇ ગઇ હતી. આ દરમિયાન ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણીને જાણ થતા તેમણે પોતાની ગાડીને રોકાવી હતી અને તુરંત પોલીસ કર્મીઓની મદદ માટે પહોંચી ગયા હતા. તેમજ ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતાં. ટ્રમ્પના કાર્યક્રમમાં આવેલા પોલીસ કર્મીઓ થાકેલા જણાતાં હતાં.
પરેશ ધાનાણીએ ખેડૂત પુત્ર તરીકે ઓળખાય છે અને અવાર નવાર તે લોકોનો અવાજ બનતા રહ્યા છે. રાજ્યના અનેક એવા મહત્વના આંદોલનમાં પણ તેઓ મોખરે રહ્યા છે, ત્યારે લોકોના વિવિધ મુદ્દાઓને આક્રમક અંદાજમાં તે વિધાનસભામાં પણ ઉઠાવતા રહ્યાં છે. પરેશ ધાનાણી સામાજિક સેવા પણ કરતા જોવા મળે છે. તાજેતરમાં જ લોકરક્ષક દળનું આંદોલન હોય કે બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિનું આંદોલન હોય પરેશ ધાનાણી જાતે જ ભોજન બનાવી વિદ્યાર્થીઓને જમાડતા નજરે પડ્યાં હતાં.