અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જે વાત કરી તે તેમનું લક્ષ્ય 2024માં આવનારી લોકસભાની ચૂંટણી જ હતું. તેઓ આજે એકી શ્વાસે દેશની પ્રગતિનો ચિતાર આપી દીધો હતો. જેનાથી ભાજપના કાર્યકરોમાં જોશ ભરી દીધો હતો અને ભાજપનો કાર્યકર પ્રજા વચ્ચે જઈને આ જ વાત કરશે. મોદીએ વધુમાં કહ્યું હતું કે બાદશાહી માનસિકતામાંથી દેશ બહાર આવી ગયો છે. તેજ ગતિએ દેશ વિકાસની રફતાર પર દોડી રહ્યો છે. કેટલાક આંકડા પણ તેમણે રજૂ કર્યા હતા.
મોદી તેરી કબ્ર ખૂદેગી: નફરતથી ભરેલા લોકો આજે ખોટુ બોલી રહ્યા છે. આવા લોકો હતાશામાં જીવી રહ્યા છે અને એટલા બધા નિરાશ થઈ ગયા છે કે તેમને એક જ રસ્તો દેખાય છે. તે બધા કહી રહ્યા છે કે ‘મોદી તેરી કબ્ર ખૂદેગી’. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું દેશની પ્રગતિ અને વિકાસ તેમનાથી દેખાતો નથી, અને ખોટુ બોલી રહ્યા છે. 2024ની લોકસભાની ચૂંટણી જીતવા માટે યેનકેન પ્રકારેણ વિપક્ષીદળો ભાજપના કામની સતત ટીકા તો કરે છે, પણ દેશને નીચુ જોવું પડે તેવા નિવેદન કરે છે. તાજેતરમાં રાહુલ ગાંધી લંડન ગયા ત્યાં તેમણે ભારતને નીચું જોવું પડે તેવા નિવેદન કર્યા હતા. અને સંસદમાં ભારે ઉહાપોહ થયો હતો.
વિપક્ષી દળો ભેગા થયા તેમને જવાબ: તાજેતરમાં વિપક્ષી લોકો ભેગા મળીને બેઠકો કરી રહ્યા છે અને તે બધા વિપક્ષી દળો મોદીને હરાવવા ભેગા થયા છે. બે બેઠક થઈ ચુકી છે. તેમનો એક જ એજન્ડા છે કે 2024માં ભાજપને હરાવો. મોદીએ આજે આ વિપક્ષી દળોને ભાજપના સ્થાપના દિવસે નામ લીધા વગર જવાબ આપી દીધો છે. જો કે જનતા બધુ જાણે છે. આવી પાર્ટીઓને ખબર નથી કે આજે દેશનો ગરીબ, યુવાન, મહિલાઓ, દલિતો અને આદિવાસીઓ તથા દરેક ભારતવાસી કમળને ખીલવવા માટે ઢાલ બનીને ઉભા છે. વિપક્ષીદળો ભાજપ મુક્ત શાસન માટે ભેગા થયા છે, અને તેઓ ભવિષ્યમાં કેટલું સ્થિર શાસન આપી શકશે, તે પણ એક મોટો સવાલ છે. કારણ કે આપણે અગાઉ મિશ્ર સરકારોની કામ કરવાની પદ્ધતિ અને સ્થિરતા જોઈ ગયા છીએ.
રાજનીતિ પાર્ટીનું કલ્ચર: પીએમ મોદીએ બીજી મહત્વની વાત કરી કે કોંગ્રેસ જેવી પાર્ટીનું કલ્ચર, નાના સપના જોવાના તે ભારતની રાજનીતિનું કલ્ચર બની ગયું હતું. પરિવારવાદ, વંશવાદની વાત કરીને નિશાન તાક્યું હતું. ભષ્ટ્રાચાર તેમનો પર્યાય બની ગયો હતો. બાદશાહી માનસિકતા ધરાવતા લોકોએ અગ્રેજી હકૂમતને હજી અપનાવી રાખી છે. તેમ કહીને તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી હતી.
ભાજપ મોટા સપના જૂએ છે: તેની સામે ભાજપ માટે રાષ્ટ્ર સર્વોપરિ છે. ભાજપ બધાનો સાથ, બધાનો વિકાસ અને બધાનો વિશ્વાસ એ મંત્ર લઈને ચાલનારી પાર્ટી છે. ભાજપની નીતિ સર્વજન હિતની છે. ભાજપ એ સંકલ્પબદ્ધ પાર્ટી છે. ભાજપ મોટા સપના જૂએ છે, તેનાથી વધુ હાંસલ કરે છે. અને પછી તેની ઉજવણી કરે છે. તેમજ આગળનું વિચારે છે. આ નિવેદન કરીને પીએમ મોદીએ ભાજપનો મુળ મંત્ર અને તેનો ઉદ્દેશ જણાવી દીધો હતો. અને તેમણે તેમના સુત્રમાં બધાનો પ્રયાસ પણ જોડયો છે. જેથી જનતા પણ રાષ્ટ્રની પ્રગતિમાં જોડાય અને તેમનો સહયોગ મળે.
આર્ટિકલ ઓફ ફેઈથ: મોદીએ વધુમાં કહ્યું હતું કે સામાજિક ન્યાયના નામ પર કેટલીક રાજકીય પાર્ટીઓએ દેશની સાથે રમત રમી છે. તેમણે તેમના પરિવારોનું કલ્યાણ સુનિશ્ચિત કર્યું છે. લોકોના કલ્યાણનો વિચારસુદ્ધા આવ્યો નથી. જ્યારે ભાજપ માટે સામાજિક ન્યાય અમારા માટે રાજનીતિ સુત્રોચ્ચારનો ભાગ નથી, અમારા માટે આર્ટિકલ ઓફ ફેઈથ છે. આ વાત કરીને મોદીએ તાજેતરમાં રાહુલ ગાંધી સામે સુરતમાં ચાલતાં કોર્ટ કેસમાં રાહુલ ગાંધી સાથે કોંગ્રેસે જે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને સુત્રોચ્ચાર કર્યા હતા. તેનો જવાબ આપી દીધો હતો.
ચૂંટણી જીતવાનો મંત્ર: ભાજપ કયારેય ચૂંટણી જીતવા માટે નહી પણ નાગરિકોના દિલ જીતી રહી છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની આસ્થાએ અમારો મુળ મંત્ર રહ્યો છે. આમ કહીને પીએમ મોદીએ સીધી રીતે કહી દીધું હતું કે 2024ની લોકસભાની ચૂંટણીમાં નાગરિકોના દિલ જીતશો તો તેઓ ભાજપને સાથ આપશે અને મત પણ આપશે.
આ પણ વાંચો BJP Foundation Day: પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, ભાજપ માટે દેશ પહેલા અને રાષ્ટ્ર જ સર્વોપરી
2014 પહેલા ભારતની સ્થિતિ: મોદીએ એમ પણ કહ્યું કે હનુમાનજી જે કાંઈ પણ કરતાં હતા કે બધા માટે કરતા હતા. પણ તેઓ તેમના માટે કાંઈ કરતા ન હતા. ભાજપ એમાંથી પ્રેરણા લે છે. હનુમાનજી પાસે અસીમ શક્તિ છે. પણ આ શક્તિનો ઉપયોગ જરૂર પડે ત્યારે કરતાં હતા. 2014 પહેલા ભારતની શું સ્થિતિ હતી. એટલે પીએમ મોદીએ આ વાત કરીને પ્રજાના માનસ પર 2014 પહેલા ભારતની શુ સ્થિતિ હતી, તે બાબતનો ઉલ્લેખ કરી દીધો છે. 2014 પછી દેશમાં સ્થિર શાસન જોવા મળી રહ્યું છે અને દેશ વિદેશમાં ભારતના વિકાસના વખાણ થઈ રહ્યા છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવી તે કોઈ નાનું સુનું કામ નથી. કેમ અગાઉની સરકારોને આ વિચાર ન આવ્યો? તેઓ પ્રશ્ન કરીને કોંગ્રેસ સામે સૌથી મોટો પ્રશ્ન સર્જ્યો હતો.
આ પણ વાંચો PM Jan Dhan Yojana : PM જન-ધન યોજનાની અસર દેખાઈ, 9 વર્ષમાં ખાતામાં આટલા લાખ કરોડ જમા થયા
ભાજપનું માત્ર એક જ લક્ષ્ય: પીએમ મોદીએ તેમના સંબોધનમાં જે પણ વાત કરી છે તેનું લક્ષ્ય એકમાત્ર હતું કે લોકસભાની 2024માં આવનારી ચૂંટણી. તેમણે કોંગ્રેસ અને વિપક્ષી દળોના નામ લીધા વગર ટીકા કરી અને તેની સામે ભાજપના શાસનની પ્રગતિ અને વિકાસના વખાણ કર્યા હતા. તેમણે એમ પણ કહી દીધું હતું કે 2024ની ચૂંટણીમાં ભાજપને કોઈ હરાવી શકવાનું નથી, પણ કાર્યકરો નાગરિકોના દિલ જીતે.
ભરત પંચાલ, બ્યૂરોચીફ, ઈટીવી ભારત ગુજરાત