અમદાવાદઃ અમદાવાદ શહેરમાં દિવ્ય દરબારને લઈને દરેક મોરચે પગલાં લેવાઈ રહ્યા છે. ખાસ કરીને સુરક્ષા અને ભીડનું મેનેજમેન્ટ કરવા માટે કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. બાબા બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આગામી દસ દિવસોમાં ગુજરાતમાં અનેક જગ્યાઓ પર જાહેર કાર્યક્રમ છે. જેમાં અમદાવાદ, સુરત અને રાજકોટના કાર્યક્રમને મુખ્ય માનવામાં આવે છે.
બે દિવસનો કાર્યક્રમઃ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તેવી શક્યતા સિવાય રહી છે. જેને પગલે શહેર પોલીસ માટે પણ ચિંતાનો વિષય રહ્યો છે. અમદાવાદ શહેરમાં તારીખ 25મી મે તેમજ 29 અને 30 મે ના રોજ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર સ્વામી હાજર રહેશે. તેને લઈને શહેર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં આયોજકોએ લોક દરબારમાં આવવા માંગતા લોકો માટે પાસ સિસ્ટમ શરૂ કરવા નિર્ણય કર્યો છે.
રજીસ્ટ્રેશન પછી પાસઃ દરબારમાં વધુ ભીડ ભેગી ન થાય અને શહેરની વચ્ચે કાર્યક્રમ હોવાથી કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુથી કાર્યક્રમ સ્થળ પર રજિસ્ટ્રેશન કરી લોકો પાસ મેળવી શકે. તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમે શહેરમાં ચર્ચાનો વિષય ઊભો કર્યો છે. ક્યાંક બાબા બાગેશ્વરનો વિરોધ તો ક્યાંક બાબા બાગેશ્વરના સમર્થનમાં લોકો એકઠા થયેલા છે.
મંગળવારથી પાસ મળશેઃ આ અંગે ચાણક્યપુરીમાં યોજાનાર બાગેશ્વર ધામના લોક દરબાર કાર્યક્રમના આયોજક પંડિત અમિતકુમાર શર્માએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલની સ્થિતિએ અમારા દ્વારા કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા લોકો માટે પાસ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, મંગળવારથી કાર્યક્રમ સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરી લોકોને વિનામુલ્યે પાસ વિતરણ કરવામાં આવશે. માત્ર પોતાનું નામ અને નંબર આપવાથી ત્યાંથી પણ મળી જશે. પાસ વિના કોઇને પણ કાર્યક્રમમાં પ્રવેશ મળશે નહીં. કાર્યક્રમમાં VVIP ઓને પણ આમંત્રણ આપવામાં આવશે.
શિવકથામાં બાબા આવશેઃ અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં હાલ શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેવકીનંદન ઠાકુર મહારાજ દ્વારા કથા પઠન કરવામાં આવી રહી છે. જેમાં તારીખ 25મી મેના રોજ ધીરેન્દ્ર મહારાજ હાજર રહેશે. ધીરેન્દ્ર સ્વામીની લોકચાહના લાખો લોકોમાં હોવાથી અહીં વધારે સમર્થકો જોડાઈ એવી શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં તારીખ 29 અને 30મી મેના રોજ બાગેશ્વર બાબાનો લોક દરબાર યોજાવાનો છે. અહીં વધુમાં વધુ 15 હજાર લોકો સમાઈ શકે તેટલી જગ્યા છે. પોલીસ બંદોબસ્ત અંગે ACP પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપી છે.
વટવાના કાર્યક્રમમાં બાબા બાગેશ્વર માત્ર એક કલાક માટે આવવાના હોય અને ત્યાં કોઈપણ જાતનો લોક દરબાર રાખવામાં આવ્યો ન હોવાથી મર્યાદિત સંખ્યામાં લોકો આવી શકે છે, જોકે હાલની સ્થિતિએ 200 થી વધુ પોલીસ હોમગાર્ડ અને ટ્રાફિકના જવાનો બંદોબસ્તમાં તેના કરાયા છે તેમાં જરૂર જણાશે તો વધુ પોલીસ અધિકારી કર્મચારીઓનો બંદોબસ્ત મૂકવામાં આવશે.---પ્રદિપસિંહ જાડેજા (ACP,અમદાવાદ શહેર)
બેઠક થઈ હતીઃ ચાણક્યપુરીમાં જ્યાં બાબાનો લોકદરબાર યોજાવાનો છે એ અમદાવાદમાં સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. ત્યાંના ACP જી.એસ શ્યાને જણાવ્યું હતું કે, આયોજક દ્વારા પોલીસ મંજૂરી માંગવામાં આવી છે. પોલીસે સ્થળ ઉપર વિઝીટ પણ કરી છે. મંજૂરી આપવા માટેની પ્રક્રિયા હાલ ચાલુ છે. લોક દરબારમાં કેટલા લોકો આવી શકે છે અને તેઓના માટે કયા પ્રકારનું બંદોબસ્ત ગોઠવી શકાય. તેને લઈને આયોજકો સાથે પોલીસ દ્વારા બેઠક કરવામાં આવી રહી છે. કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરૂરી જગ્યાઓ પર પોલીસ હાજર રહેશે.