અમદાવાદ: શહેર દિવસેને દિવસે વિકસતુ જ જાય છે. તેથી તેમાં ટ્રાન્સપોર્ટેશન સર્વિસીઝ પણ વધતી જાય છે. શહેરમાં સરકારી ઉપરાંત ખાનગી ટ્રાન્સપોર્ટ સર્વિસની રોજ નવી કંપની બજારમાં આવે છે. જેની સીધી હરિફાઈ અમદાવાદ રિક્ષાવાળા સાથે થાય છે. હરિફાઈ યોગ્ય સ્તરે થાય તો વ્યાજબી છે પણ આ નવી કંપનીઓ માર્કેટમાં ફાવવા માટે ઓછા ભાડા તેમજ ફ્રી ટ્રીપ જેવી સુવિધા પૂરી પાડે છે. જેનાથી ગ્રાહકો મોબાઈલ એપ્લિકેશન પર ચાલતી ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રત્યે આકર્ષાય છે. જેમાં સરવાળે નુકસાન શહેરના રિક્ષા ચાલકોને થાય છે.
3 દિવસીય ભૂખ હડતાળઃ અમદાવાદ રિક્ષા ચાલક એસોશિયેસને આ સમસ્યાના નિરાકરણ માટે અનેક રજૂઆતો કરી છે પણ પરિણામ શૂન્ય આવ્યું છે. તેથી એસોસિયેશન દ્વારા તા.3,4,5 ઓક્ટોબર એમ કુલ ત્રિદિવસીય ભૂખ હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. આ હડતાળને સફળ બનાવવા માટે 3000 રિક્ષા ચાલકો જોડાયા છે. તેમજ શહેરમાં સ્વયંભૂ રિક્ષા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગેરકાયદે ટેક્સી સર્વિસઃ શહેરમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે ટેક્સી પૂરી પાડતી કંપનીઓ વધી રહી છે. આ કંપનીઓ ટ્રાસ્પોર્ટ વિભાગના નિયમોનું પાલન થતું નથી. આ કંપનીઓના વાહનો સફેદ નંબર પ્લેટ હોવા છતા ટ્રાન્સપોર્ટ સર્વિસ પૂરી પાડે છે. અમદાવાદ જેવા શહેરમાં ખાનગી 2 વહીલરના માલિકો પૈસા કમાવવા માટે આવી એપ્લિકેશનનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. આવી ટ્રાન્સપોર્ટ સર્વિસને પરિણામે અમદાવાદના રિક્ષા ચાલકોને નુકસાન થઈ રહ્યું છે. ઘર ચલાવવાના પણ ફાંફા પડી રહ્યા છે.
છેલ્લા છ મહિનાથી રિક્ષા ચાલકોની લડત ચાલી રહી છે. જેમાં ઓનલાઇન એપ્લિકેશન દ્વારા જે સફેદ નંબર પ્લેટના વાહનો ચાલી રહ્યા છે તેને બંધ કરવામાં આવે. અમારી માંગણી ન સંતોષાતા અમે રિક્ષા ચાલકો, સંગઠન સમિતિ સાથે મળીને આ ભૂખ હડતાલનું આયોજન કર્યું છે. આ હડતાળ 3,4,5 ઓક્ટોબર એમ કુલ ત્રિદિવસીય છે. આ ઉપરાંત રિક્ષા સ્વયંભૂ બંધનું પણ એલાન કર્યુ છે. ગઈકાલે અમદાવાદ કલેક્ટર કચેરીએથી અમને પણ ડીટેઈન કર્યા હતા, આજે અમે ઈન્કમટેક્સ ખાતે તેમજ મેમનગર ફાયર સ્ટેશન ખાતે હડતાળ યથાવત રાખી છે. સરકાર, તંત્ર અને RTO વિભાગ જેમ બને તેમ આ ગેરકાયદેસર ચાલતી ટેક્સી સર્વિસ પર પ્રતિબંધ લાવે તેવી અમારી માંગણી છે...વિજય મકવાણા(પ્રમુખ, અમદાવાદ રિક્ષા ચાલક એસોસિયેશન)
સ્કૂલ રિક્ષા સર્વિસ યથાવતઃ અત્યારે શાળામાં પરીક્ષા ચાલી રહી હોવાથી. શાળાઓમાં સ્કૂલ રિક્ષાની સર્વિસ રિક્ષા એસોસિયેશન દ્વારા યથાવત રાખવામાં આવી છે. જો આવનારા દિવસોમાં રિક્ષા ચાલકોની માંગણી નહીં સંતોષાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી રિક્ષા ચાલકોએ ઉચ્ચારી છે.