અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. 7 જુલાઈ 2023 ના રોજ રાત્રીના સમયે અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જનતાનગર પાસે આ બનાવ બન્યો હતો. જેમાં અનુપ મકવાણા નામના 40 વર્ષીય યુવકને ત્રણ-ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જે અંગે યુવકના ભાઈએ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. ત્યારબાદ પોલીસે કેસમાં હત્યાની કલમ ઉમેરી ગુનામાં સામેલ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ફરિયાદીની માહિતી : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર અશ્વિન મકવાણા અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જનતાનગર પાસે રહે છે. આ યુવકે પોલીસ સ્ટેશનમાં 7 જુલાઈ 2023 ના રોજ ફરિયાદ નોંધાવી હતી. તેઓ અમરાઈવાડીમાં નાના ભાઈ લક્ષ્મણ, અનુપ તેમજ દીકરી અને ભત્રીજીઓ સાથે છે. તેઓ ઈસનપુર બ્રિજ નીચે હાર્ડવેરની દુકાનમાં નોકરી કરે છે. તેઓનો નાનો ભાઈ અનુપ અપરણિત છે અને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે.
હિચકારો હુમલો : 7 જુલાઈ 2023 ના રોજ રાત્રીના સમયે ફરિયાદ ઘરે હતા. ત્યારે અનુપ બહાર આંટો મારવા માટે ગયો હતો. થોડીવાર પછી સંતોષી પાન પાર્લરની પાછળ ભંગારની દુકાન ધરાવતા અનિલભાઈ ફરિયાદીના ઘરે આવ્યા હતા. તેઓએ ફરીયાદીને જણાવ્યું હતું કે, ભાઈ અનુપને કોઈ મારે છે. તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા તો અનુપ મકવાણા લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો.
આ મામલે અગાઉ અજાણ્યા શખ્સો સામે મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થતાં હવે હત્યાની કલમ ઉમેરવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમ કામે લગાડવામાં આવી છે.-- કૃણાલ દેસાઈ (ACP, I ડિવિઝન)
હોસ્પિટલમાં દાખલ : આ અંગે ફરિયાદીએ અનિલને પૂછતા તેણે જણાવ્યું હતું કે, ત્રણથી ચાર જેટલા લોકોએ બોલાચાલી કરી હતી. તેમાંથી એક શખ્સે અનુપને ચપ્પુના ઘા માર્યા હતા. જેથી આ સમગ્ર મામલે 108 માં ફોન કરીને અનુપ મકવાણાને સારવાર માટે LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હત્યાનો ગુનો : 10 મી જુલાઈના રોજ મોડી રાત્રે 40 વર્ષીય અનુપ મકવાણાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર બાબતે અમરાઈવાડી પોલીસે અગાઉ નોંધેલી મારામારીની ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો છે. ઉપરાંત આરોપીઓની શોધખોળ માટેની કામગીરી હાથ ધરી છે.