અમદાવાદ: સનાતન (હિન્દુ) ધર્મમાં અક્ષય તૃતીયા માંગલિક કાર્યો માટે શુભ અને અક્ષય મૂહુર્ત માનવામાં આવે છે. આને ઈશ્વરીય તિથિ પણ કહેવામાં આવે છે. વાસ્તવામાં, 'અક્ષય' શબ્દનો અર્થ છે - જેનો ક્ષય કે નાશ ન થાય.
વૈશાખ સુદ ત્રીજ તિથિ અક્ષય હોય છે. તે દિવસથી ચંદનયાત્રા શરૂ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાય આ દિવસે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજે સંતો ભક્તો પોતાની વિરહાગ્નિ શ્રી સ્વામિનારાયણ ભગવાનને નિવેદન કરી અનેક પ્રકારની શીતળ સામગ્રી, ચંદન, અરગમ, કેસર, બરાસ, ગુલાબ, સુગંધી અંત્તર, ફૂલેલ વગેરે વસ્તુઓનો લેપ ભગવાનના અંગો પર લગાવીને કલાત્મક વાઘા પહેરાવે છે.
સૌ સંતો, ભક્તો દર્શન કરી આધ્યાત્મિક શીતળતા અને શાંતિ અનુભવે છે. શ્રીજી મહારાજ સમકાલિન શીઘ્ર કવિ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામજી કહે છે કે, ચંદન ખોર કીયે આવત હરિ.... સાથે જ સખા મંડળ અતિ શોભિત, કરમે રૂમાલ લીયે....
મણિનગર તથા કડીમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી સ્વામીનારાયણ ભગવાન, શ્રી ઘનશ્યામ મહારાજ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજને કલાત્મક વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ઉનાળાની ગરમીને કારણે વર્ષોથી ગરમીમાં ખાસ કરીને અખાત્રીજના દિવસે, વૈશાખ સુદ-વદની એકાદશી તેમજ પૂનમ અને અમાસના પાવન દિને આ બંને શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં શ્રી હરિજીને વર્ષોથી સંતો દ્વારા ચંદનના વાઘા પહેરાવવામાં આવે છે.
અખાત્રીજ - અક્ષયતૃતીયાના પાવન દિને કલાત્મક ચંદનના વાઘા શણગારમાં દર્શન આપતા શ્રી ઘનશ્યામ મહાપ્રભુ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાનની આરતી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી હતી. આજના દર્શન દેશ-વિદેશમાં વસતા તમામ સત્સંગીઓ અને ભાવિકોએ લાઈવ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.