અમદાવાદઃ કોરોના મહામારીને લઈને જાહેર કરાયેલા લૉકડાઉન બાદ ધંધો-રોજગારી ઠપ્પ થતા રાજ્યની તમામ ખાનગી શાળાઓમાં પ્રથમ કવોટર્સની ટ્યુશન ફી સિવાય કોઈપણ પ્રકારની ફી વસુલવામાં ન આવે તેવી માગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે શુક્રવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને એ.જે. શાસ્ત્રીની ખંડપીઠ સમક્ષ રાજ્ય સરકારે આ અંગે નિર્દેશ મેળવવાનો આગ્રહ કરતા વધુ સુનાવણી 22મી મેના રોજ હાથ ધરવામાં આવશે.
અરજદાર તરફે હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન સરકારી અથવા ખાનગી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન કોઈપણ પ્રકારની ફીમાં વધારો ન કરવાની માગ કરી હતી. 2020ના શૈક્ષણિક સત્રના પ્રથમ ક્વાર્ટરમાં ટ્રાન્સપોર્ટ, મેડિકલ, કરિકુલમ સહિતની ફી કોઈપણ રીતે વસૂલવામાં ન આવે.
વિદ્યાર્થીઓને લૉકડાઉનના સમયમાં ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે. તેમને આના માટે ઓનલાઈન આઈડી અને પાસવર્ડ શાળા દ્વારા ઉપલબ્ધ કરાવવા જોઈએ. આર્થિક કટોકટીને લીધે ફી ન ભરી શકનારા વિદ્યાર્થીની ઈ-મેલ આઈડી અને પાસવર્ડ બંધ કરવામાં ન આવે આટલું જ નહીં આવા સમયગાળામાં બાળકોના માતા-પિતા પર ફી ભરવા અંગે કોઈપણ પ્રકારનો દબાણ ન કરવામાં આવે, અગાઉ જે એડવાન્સ ફી ભરવામાં આવી છે, તે પણ પરત કરવામાં આવે તેવી માગ કરાઈ છે. આ મામલે વધુ સુનાવણી 22મી મેના રોજ હાથ ધરવામાં આવશે.
અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ એક પણ કેસ ન હોવા છતાં લૉકડાઉનના ભાગરૂપે બ્લોક કરી દેવાયેલા જાહેર માર્ગ ખોલવામાં આવેએ માગ સાથે જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાઈ હતી.