અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે માત્ર દોઢ (Gandhinagar Maldhari Samaj) મહિનો બાકી રહ્યો છે. અને 21-22 સપ્ટેમ્બર એમ બે દિવસીય વિધાનસભાનું સત્ર (Anger of Milkman Community) મળી રહ્યું છે, જે છેલ્લુ સત્ર છે. ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણી પછી નવી સરકાર સાથે નવી 15મી વિધાનસભાનું સત્ર મળશે. પણ હાલ ચર્ચાનો વિષય છે ચૂંટણી પહેલા સરકાર સામેના આંદોલન.
હાઈકોર્ટની સરકારને ફટકારઃ ગુજરાતમાં રસ્તે રખડતા ઢોરનો પ્રશ્ન ખૂબ મોટો થયો. રખડતા ઢોરને કારણે અકસ્માતમાં અનેક નાગરિકોના મોત થયા, ગંભીર ઈજાઓ પણ થઈ. જે મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ અને હાઈકોર્ટે આ પ્રશ્નને ગંભીર રીતે લઈને સુનાવણી કરીને સરકારને આડે હાથે લીધી હતી. ગુજરાત હાઈકોર્ટની ફટકાર પછી ગુજરાત સરકારે ઢોર નિયંત્રણ બિલ સ્પષ્ટ બહુમતીથી પસાર કર્યું હતું.
15 દિવસમાં બિલ અટકાવ્યુંઃ ગુજરાત વિધાનસભામાં બિલ પાસ થઈ ગયા પછી તેની આકરી જોગવાઈ બહાર આવતાં માલધારી સમાજે સરકાર સામે આંદોલન કર્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે બેઠક બાદ સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. અને ગુજરાત સરકારે બિલ પસાર કર્યાના 15 દિવસમાં જ બિલ અટકાવી દીધું હતું.
સમાજનું શક્તિ પ્રદર્શનઃ આમ છતાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો ગયો હતો. હાઈકોર્ટના આદેશ પછી રાજ્ય સરકાર અને દરેક શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનોએ આકરી કાર્યવાહી કરી હતી. માલધારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવા માટે ગાંધીનગરના શેરથામાં શક્તિ પ્રદર્શન કર્યું અને વેદના સભા યોજાઈ હતી. જે પછી પણ સરકારના કાને આ અવાજ ન પહોંચ્યો તો માલધારી સમાજના લોકો ગાંધીનગર પહોંચી ગયા હતા અને દેખાવો કર્યા હતા.
નિયંત્રણ બિલ પરત ખેંચશેઃ સુત્રોના હવાલેથી સમાચાર મળી રહ્યા છે કે રાજ્યપાલે ઢોર નિયંત્રણ બિલ પરત મોકલ્યું છે અને ગુજરાત સરકાર આ બિલને વિધાનસભા સત્રના પ્રથમ દિવસે પરત ખેંચી લશે. જો કે આ મુદ્દે હજી સરકારે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી.
80 લાખ મતઃ માલધારી સમાજના 80 લાખ મત છે. જે ખોવા પડે તે ભાજપને પોસાય તેમ નથી, આથી આ મુદ્દાને લઈને સરકાર ગંભીર છે. પણ તેની સામે ગુજરાત હાઈકોર્ટની વાત પણ સરકારે માનવી પડે છે. જેથી અસંમજસની સ્થિતી સર્જાઈ છે.
તમામ સમાજ મહત્વનાઃ માલધારી સમુહમાં ભરવાડ, આહીર, મેર, રબારી, ચારણ વિગેરે જાતિઓનો સમાવેશ થાય છે. અને તેમની મોટી વસ્તી ગુજરાતના તમામ શહેરો અને જિલ્લાઓમાં પથરાયેલી છે. માલધારી સમાજના 80 લાખ મતો કોઈપણ રાજકીય પક્ષ માટે ખૂબ મહત્વના છે. જેથી માલધારી સમાજના આંદોલનને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવા આપી રહી છે. અને તેને મોટુ કરી રહી છે. બીજી તરફ સરકાર તેને ઠારવાના પ્રયત્નો કરી રહી છે.
માલધારીઓની નારાજગી ભાજપને અસર કરી શકે છેઃ પાલા વરુ
રાજકીય તજજ્ઞ પાલા વરુએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ રસ્તે રખડતા ઢોરનો પ્રશ્ન માત્ર શહેરો પુરતો સીમિત છે. ગ્રામ્ય વિસ્તારોને આ લાગુ પડતો નથી. પણ કેટલીક રાજકીય પાર્ટીઓએ આ પ્રશ્નને મોટો બનાવી દીધો હોય તમે દેખાય છે. સામે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે જેથી આ ઈસ્યૂનો મોટો બનાવી દીધો છે. બીજી તરફ આગળ ઉપર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, આથી સરકારને કોઈ આંદોલન થાય કે કોઈ સમાજ નારાજ થાય તે ચાલે તેમ નથી.
પ્રશ્નોના ઉકેલઃ જેથી સરકારે માલધારી સમાજના પ્રશ્નનો ઉકેલ લાવવો જ જોઈએ અને તેમની નારાજગી દૂર કરવી જોઈએ. વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પસાર થયું પછી માલધારી સમાજના આગેવાનોએ સી આર પાટીલ સાથે બેઠક કરીને સમાધાન કર્યું હતું અને 15 દિવસમાં જ સરકારે બિલનું અમલીકરણ અટકાવી દીધું હતું. માલઘારી સમાજની નારાજગીથી ભાજપ પર અસર થઈ શકે તેમ છે.
ભાજપથી વિમુખ થઈ શકે છેઃ જયવંત પંડ્યા
વરિષ્ઠ રાજકીય તજજ્ઞ જયવંતભાઈ પંડ્યાએ ETV Bharatને કહ્યું હતું કે રસ્તે રખડતા ઢોરથી અકસ્માત થાય છે તે હકીકત છે. પ્રશ્ન એ છે કે આ અતિક્રમણ ઢોરે કર્યું કે માણસોએ? શહેરનો વિકાસ, વસ્તીમાં વધારો થયો તેમ તેમ રહેણાંકો વધતા ગયા છે. રોડ પહોળા પણ થયા છે. આ બધા વચ્ચે પશુ પંખી માટે કોઈ જગ્યા રહી નથી. કોરોનાકાળમાં લોકડાઉનમાં માનવી ઘરમાં પુરાઈને કંટાળી ગયો હતો, તેમ પશુઓ પણ એક જગ્યાએ બંધાઈને રહી ન શકે. ઢોર માટે સરકારે કે કોર્પોરેશને હરવાફરવા, ઘાસચારા અને પાણી માટે અલાયદી વ્યવસ્થા વિચારવી જોઈએ, હાલ આ બાબતનો અભાવ જોવાઈ રહ્યો છે.
મહત્ત્વના કારણઃ રાજકીય રીતે જોઈએ તો માલધારી સમાજ મતોના કારણમાં ખૂબ જ મહત્વના છે. પશુપાલક નારાજ થાય તે ચાલે તેમ નથી, આથી સરકારે ગંભીર થઈને ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવાની ફરજ પડી છે. તેમ છતાં હાલ માલધારી સમાજ સરકારનું નાક દબાવી રહી છે અને આ સમાજ જો નારાજ થશે તો ભાજપથી વિમુખ પણ થઈ શકે છે.