- રિયલ એસ્ટેટ માર્કેટમાં સૌથી મોટો હિસ્સો સરકારના ટેક્સનો છે
- સરકાર દ્વારા ટેક્સમાં ઘટાડો થતાં મિલકતોના ભાવમાં મોટો ઘટાડો થશે
- રો મટીરિયલના ભાવમાં વધારો થતાં છેવટે મિલકતના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેની અસર મિલકત ખરીદનારા લોકો પર પડી
અમદાવાદ : કોરોનાની મહામારી વચ્ચે રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજીનો માહોલ ધીમે ધીમે આવી રહ્યો હોય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. હાલમાં છેલ્લા એક વર્ષથી બંધ પડેલા બાંધકામના કામો હવે ધીમે ધીમે પાટા પર ચઢી રહ્યા છે, અને લોકો ઘર અને ઓફિસની ખરીદી પણ કરી રહ્યા છે. અમદાવાદ જેવા મોટા શહેરોમાં પહેલેથી જ માર્કેટના ભાવ અન્ય શહેરોની સરખામણીમાં ટોપ પર છે, ત્યારે લોકડાઉન બાદ રિયલ એસ્ટેટ માર્કેટમાં ભાવ વધારો થતા માર્કેટને થોડી નુકસાની પણ ભોગવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો - રિઝર્વેશનમાંથી મુક્તિ મળતા રિયલ એસ્ટેટ ઉદ્યોગને ગતિ મળશે
શા માટે થયો ભાવ વધારો?
જે રીતે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેની સાથે સાથે અન્ય વસ્તુઓમાં ભાવ વધારો થઈ રહ્યો છે. જેની અસર છેવટે રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ દેખાય રહી છે. સ્ટીલ અને લોખંડના ભાવમાં સરેરાશ 15 ટકા જેટલો વધારો થયો છે. સિમેન્ટના ભાવમાં પણ વધારો થયો છે. આ સાથે રેતી અને કપચીના ભાવમાં પણ સરેરાશ 10થી 15 ટકાનો વધારો થયો છે. જેની અસર છેવટે મિલકતો પર દેખાય રહી છે અને મિલકતોના ભાવમાં વધારો નોંધાયો છે.
આ પણ વાંચો - રિયલ એસ્ટેટ પર કોરોનાની અસર, અનલોક થતાં 50 ટકા કામ થયું શરૂ
મિલકતોના ભાવમાં સૌથી મોટો હિસ્સો સરકારના ટેક્સનો, જાણો કેમ?
સૌથી પહેલા જમીન પર સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે છે. એક જ જમીન પર ચારથી પાંચ વખત વેચાણ થતા ચારથી પાંચ વખત સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવે છે. જેને લઇને સરકારમાં ચારથી પાંચ વખત ટેક્સ જમા થાય છે. ત્યારબાદ બિલ્ડર દ્વારા જમીનની ખરીદી કરવામાં આવે છે, ત્યારે તેના પર ફરીથી સ્ટેમ્પ ડ્યુટી લાગે છે. જમીન બિનખેતી કરવા માટે પણ ટેક્સ ભરવો પડે છે. બાંધકામની શરૂઆત થતાની સાથે જ બાંધકામમાં વપરાતા સ્ટીલ, સિમેન્ટ, રેતી, કપચી, વૂડન, ડીઝલ સહિતના કામો પર સરેરાશ 15થી 28 ટકાનો ટેક્સ લાગે છે. ત્યારબાદ રેરા રજિસ્ટ્રેશન, AUDA, GST, AMCમાં પણ ટેક્સ અને સેસ ભરવી પડે છે. આમ જોઈએ તો એક કરોડની મિલકત પર સરેરાશ 35 લાખ સરકારને ટેક્સ પેટે જાય છે. 55 લાખનો મિલકત પર ખર્ચ થાય છે. તમામ રોકાણ બાદ બિલ્ડરના ભાગમાં સરેરાશ 10 લાખ આવે છે. જેમાં બિલ્ડરની કમાણી પર 33 ટકા ટેક્સ ભરવાનો છે. છેવટે તમામ ભારણ મિલકત ખરીદનારા પર આવે છે.
આ પણ વાંચો - રિયલ એસ્ટેટ ડેવલપર અને ટાઉન પ્લાનર એન.કે પટેલના ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન