અમદાવાદ : સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં કંપની પાસેથી મશીનરી ખરીદીને અડધી રકમ આપી બાકીની નીકળતી રકમ ન ચૂકવીને રાજસ્થાનના વેપારીએ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતા મામલો સામે આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
શું હતો મામલો ? પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર અમદાવાદના ઈસનપુરમાં રહેતા ત્રિલોક નારણભાઈ ચૌહાણ વેરીયો સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ તેમજ એન્પ્રોકોન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 10 વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓની ઓફિસ સેટેલાઈટ ખાતે મોન્ડિયલ હાઈટ્સમાં આવેલી છે. તેઓની કંપનીના માલિક દિનેશ લાલચંદ હિન્દુજા છે. તેઓની કંપની દેશભરમાં કોઈપણ નાની-મોટી સરકારી, અર્ધ સરકારી પ્રાઇવેટ સંસ્થા માટે જમીનમાં પાઇપ નાખવાનો કોન્ટ્રાક્ટ રાખી કામ કરે છે. તેઓની કંપની આ કામ કરવા માટે નાના મોટા મશીન લાવે છે. આ મશીન કામ પૂર્ણ થયા બાદ જો કોઈ વેપારી માંગે તો તેઓને વેચાણે આપી દેવામાં આવે છે.
આ મામલે ગુનો દાખલ કરી પુરાવા એકત્ર કરી આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.-- કે.વાય વ્યાસ (PI, સેટેલાઈટ પોલીસ સ્ટેશન)
કરોડો રૂપિયાનો વ્યવહાર : 2021 માર્ચમાં રાજસ્થાનના અજમેરના વર્લ્ડ વાઈડ મશીનરી પ્રાઇવેટ લિમિટેડ કંપની ધરાવતા નવનીત માથુરે ડ્રિલ પાઇપ સાથે એચ.ડી.ડી રીંગ મશીન તથા મડ મિક્સર, પંપ વગેરેની ઇન્કવાયરી કરી હતી. ત્યારબાદ તેઓએ ફરિયાદી સાથે ચર્ચા કર્યા બાદ તમામ મશીનરીનું વર્કશોપ વડોદરા હોય ત્યાં જઈને જોવાનું જણાવ્યું હતું. નવનીત માથુર વડોદરા ખાતે વર્કશોપ પર જઈને મશીન જોઈતી હોય જે બાબતે ચર્ચા કરી હતી. ભાવ નક્કી કરીને તેઓએ પ્રથમ 50% પેમેન્ટ અને બાદમાં ડિલિવરી બાદ પૂરું પેમેન્ટ કરવાનું જણાવતા એગ્રીમેન્ટ કર્યું હતું. અલગ અલગ મશીનરી જેની કુલ કિંમત 4 કરોડ 15 લાખ રૂપિયા થાય છે. તેમજ તેના ઉપર 18% જીએસટી એમ કુલ મળીને 4 કરોડ 90 લાખ 18 હજારની રકમ નક્કી થઈ હતી.
2 કરોડથી વધુની ગાપચી : નવનીત માથુરે પહેલા 30.60 લાખ અને બાદમાં 2 કરોડ 45 લાખ રૂપિયા એમ કુલ મળીને 2 કરોડ 75 લાખ 60 હજાર રૂપિયા ફરિયાદીને આપ્યા હતા. તેને વિશ્વાસમાં લઈને ડીલીવરી આપવાનું જણાવતા વેપારીએ ઇવે બિલ તેઓને મોકલ્યું હતું. જેના આધારે તેઓએ ડિલિવરી ચલણ મોકલીને મશીનો ખરીદ્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ મશીન પેટે બાકી રહેતા નીકળતા 2 કરોડ 14 લાખ 58 હજાર 971 રૂપિયાની અવારનવાર માંગણી કરી હતી. પરંતુ તેની સામે પૈસા ન આપીને જવાબ પણ ન આપ્યો હતો.
પોલીસ ફરિયાદ : અંતે સિક્યુરીટી પેટે આપેલા ચેકમાં હાલ રિઝર્વ બેન્ક દ્વારા પાંચ લાખ ઉપરના પેમેન્ટ માટે સેન્ટ્રલાઇઝ પેમેન્ટ પ્રોસેસિંગ સિસ્ટમ માટે ફોર્મ આપવા જણાવ્યું હતું. જોકે તે પણ ન આપી અને ગોળ ગોળ જવાબ અને ધમકી આપતા હતા. જેથી ફરિયાદીને ખાતરી થઈ હતી કે, તે પૈસા આપવા માંગતો નથી. આ સમગ્ર મામલે તેઓની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.