અમદાવાદ: એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ જાણે કે અકસ્માતો માટે દિવસોને દિવસે હોટસ્પોટ બની જતો હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવારે મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. આ ઘટનામાં પૂર ઝડપે આવી રહેલા કાર ચાલક તથ્ય પટેલ દ્વારા રોડ ઉભા 20થી વધુ લોકોને અડફેટે લીધા હતા. જોકે આ ઘટનામાં પુરાવાઓ એકત્ર કરવા માટે FSL ની મદદ લેવામાં આવી છે.
9 લોકોના મોત: ઇસ્કોન બ્રિજ ઉપર ઘટના સ્થળ પર 5 લોકોના મોત અને સારવાર દરમિયાન અન્ય ત્રણ એમ કુલ મળીને 9 લોકોના મોત થયા હતા. જેમાં બે પોલીસ કર્મચારીઓ અને એક હોમગાર્ડ જવાન પણ હોય આ ઘટનાની ગંભીરતાને લઈને એક એસઆઇટીની પણ રચના કરવામાં આવી છે. તેવામાં એફએસએલનો રિપોર્ટ મળ્યા બાદ આ મામલે વધુ કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.
શહેરભરમાં ચર્ચાનો વિષય: આ સમગ્ર કેસમાં ટ્રાફિક પોલીસમાં એસજી 2 ટ્રાફિકે ગુનો દાખલ કરીને ગુનામાં સામેલ 6 લોકોની અટકાયત કરી છે. જેમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ અને તેની સાથે કારમાં સવાર યુવક યુવતીઓની અટકાયત કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે શહેરભરમાં ચર્ચાનો વિષય જોવા મળ્યો હતો. અગાઉ પણ હાઈવે ઉપર બેફામ ચાલતા વાહનો દ્વારા અકસ્માત સર્જીને અનેક વાહન ચાલકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. જોકે ફરી એકવાર આ ઘટના બની છે અને આ ઘટનામાં એક થાર ગાડી અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતને જોવા માટે ઊભા લોકો તેમજ અકસ્માતની તપાસ કરી રહેલા ટ્રાફિક પોલીસના જવાનો પર કાર ચઢાવી જીવ લેવામાં આવ્યો છે.
નાગરિકોમાં ભારે રોષ: આ ઘટના સમયે કારની સ્પીડ તેમજ અન્ય પુરાવાઓ એકત્ર કરવા માટે ફોરેન્સિક સાયન્સ ટિમ દ્વારા ઘટના સ્થળ પરથી નમૂનાઓ લઈને કારનું પરીક્ષણ કરવામા આવ્યું હતું. જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. આ ઘટના અંગે શહેરના નાગરિકોનો રોષ પણ જોવા મળ્યો હતો.
'આ પ્રકારના અકસ્માત થાય છે પરંતુ કડક કાર્યવાહી થતી નથી. જે લોકો ડ્રીંક એન્ડ ડ્રાઇવ કરે છે અને રાતના સમયે મોંઘીદાટ ગાડીઓ લઈને સ્ટંટ કરે છે પરંતુ એમના કેસ નથી ચાલતા અને પૈસાના જોર ઉપર તેઓ છૂટી જાય છે. આ પ્રકારની ઘટનામાં સામેલ આરોપી સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ટ્રાફિકની મોડી રાત્રે પણ ડ્રાઇવ કરવી જોઈએ અને મોંઘીદાર ગાડી હોય કે અન્ય ગાડી ઓવર સ્પીડમાં ન ચલાવી જોઈએ.' -મનીષ પ્રજાપતિ, શહેરના યુવાન
સ્પીડ લિમિટ બાબતે કાર્યવાહી: આ અંગે અમદાવાદના રહીશ હિતેશભાઈએ જણાવ્યું હતું કે હાઇવે અને બ્રિજ બની જતા અકસ્માત વધ્યા છે. જેથી આ મામલે જવાબદાર વિભાગે પગલાં લેવા જોઈએ સ્પીડ બ્રેકર હોવા જોઈએ કેમેરા યોગ્ય હોવા જોઈએ. આ બધી બાબતો માટે ખૂબ જ ઝડપી પ્રક્રિયા થવી જોઈએ અગાઉ પણ આ બ્રિજ ઉપર ઘણી વાર અકસ્માત થયા છે. રાહદારી અથવા તો ટુ વ્હીલર ચાલક મોતને ભેટ્યા છે અને સ્પીડ લિમિટ બાબતે કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે.