અમદાવાદ : શહેરમાં વધુ એક પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું છે, લગ્નના બે માસ પછીથી આરોપી પતિ દ્વારા નાની નાની બાબતોમાં હેરાન કરવી, મરજી વિરુદ્ધ નાની બાળકીને હરિયાણા રખાવી દઈ નોકરી કરવા માટે દબાણ કરી તેમજ ઘરમાં તોડફોડ કરી ત્રાસ આપતા પતિના ત્રાસથી કંટાળીને પરિણીતાએ આત્મહત્યાનું પગલું ભરી લીધું છે. આ સમગ્ર મામલે પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણ અંગે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો : અમદાવાદના નારોલમાં રહેતા મનોજકુમાર જાટ દ્વારા આ અંગે ફરીયાદ નોંધાવી છે. તેઓ કર્ણાવતી 5 ખાતે ગ્લોબલ કન્સ્ટ્રક્શન નામે ઓફિસ ધરાવી જુદા જુદા વિસ્તારોમાં કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, તેઓને બહેનમાં ત્રણ બહેનો હોય જેમાં સૌથી મોટી બહેન મોનીકાના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ હરિયાણા ખાતે થયા હતા. તેનાથી નાની બહેન અનુના લગ્ન રજત હુડ્ડા સાથે હરિયાણા ખાતે થયા હતા. સૌથી નાની બહેન હજી હાલ માતા-પિતા સાથે હિસાર ખાતે રહે છે.
બનેવી ભાડેથી નારોલમાં રહેતા : ફરિયાદીની બહેન અનુના લગ્ન નવેમ્બર 2021માં થયા હતા, જે બાદ એકાદ માસ ફરિયાદીની બહેન તેઓના પતિ રજત હુડા તેમજ તેના પરિવાર સાથે તેઓના ઘરે હરિયાણા ખાતે રોકાઈ હતી. એકાદ માસ બાદ તેઓની બહેન તેમજ બનેવી અમદાવાદમાં આવ્યા હતા. તેઓએ બનેવીને નારોલ શોર્યા આઈકોન ખાતે આવેલ પોતાની હોટલ ડ્રીમ વિલામાં મેનેજર તરીકે નોકરી રાખ્યો હતો. બહેન તેમજ બનેવી ભાડેથી નારોલમાં રહેતા હતા.
નાની બાબતમાં હેરાન : લગ્નના બે માસ બાદથી પતિએ ફરિયાદીની બહેન અનુને નાની નાની બાબતોમાં હેરાન પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું. તેઓ બહેનના ઘરે આવતા જતા હોય તે દરમિયાન પણ તેઓએ બહેનને સમજાવ્યું હતું કે, લગ્નજીવનમાં આ બધું ચાલ્યા કરે. જે બાદ તેઓએ બનેવી રજત હુડાને હોટલ પર એકલામાં સમજાવ્યું હતું અને કહ્યું હતું કે મેં તમને નોકરી, ઘરમાં ફર્નિચર, ટીવી ફ્રીજ, એર કન્ડિશનર, સોફા સેટ, ડબલ બેડ, રસોડાનો સામાન તમામ ઘર વપરાશની ચીજ વસ્તુઓ આપી તમને અહીંયા અમદાવાદમાં સેટ કર્યા છે, કારણ કે મારી બહેન હેરાન ન થાય, તો તમે કેમ મારી બહેનને નાની નાની બાબતોમાં હેરાન કરો છો, તેમ કહેતા બનેવીએ રજત હુડાએ માફી માંગી હતી અને હવેથી આવું નહીં થાય અને ફરિયાદનો મોકો નહીં મળે તેમ જણાવ્યું હતું.
પતિ અન્ય સ્ત્રીઓના સંપર્કમાં : થોડાક દિવસો સુધી ફરિયાદીની બહેન તેના પતિ સાથે શાંતિથી રહેતી હતી, પરંતુ જ્યારે તે ગર્ભવતી થઈ હતી, ત્યારે પતિએ ફરીવાર ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. એ સમય દરમિયાન આરોપી બીજી સ્ત્રીઓ સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં રહેતો હતો અને સંબંધો રાખતો હતો. જે બાબતની જાણ પરિણીતાને થતા તેણે આ બાબતના ફોનની સ્ક્રીનશોટ પાડી અન્ય બહેનને મોકલ્યા હતા અને જે બહેને ફરિયાદીને આ અંગે જાણ કરી હતી.
પત્નીને જમવા ન દેતો : 1 ડિસેમ્બર 2022ના રોજ ફરિયાદીની બહેન અનુએ એક દીકરીને જન્મ આપ્યો હતો અને ડોક્ટરે ત્રણ વર્ષ સુધી આરામ કરવાની સલાહ આપી હતી, પરંતુ દીકરીના જન્મ બાદ પતિ તેનું ધ્યાન રાખતું ન હતો અને તેની પાસે બળજબરીપૂર્વક ઘરકામ કરાવતો, તેને ટોર્ચર કરતો અને સમયસર જમવા પણ દેતો ન હતો, જે બાબતની જાણ પરિણીતાએ તેના ભાઈને કરી હતી.
દીકરી મેળવા માતાની આજીજી : દીકરીના જન્મના ત્રણેક માસ બાદ આરોપી રજત હુડા પત્નીને નોકરી કરવા માટે દબાણ કરતો હતો, પરંતુ પરિણીતાએ સિઝેરિયન દ્વારા બાળકીને જન્મ આપ્યો હોય અને બાળકી માતાના ધાવણ ઉપર હોય જેથી કરીને નોકરી કરવાની ના પાડતા આરોપી દીકરીને પોતાના વતન હરિયાણા ખાતે લઈ ગયો હતો. બાળકીને તેની મરજી વિરુદ્ધ તેની માતા ઉર્મિલાબેન હુડા પાસે રખાવી દીધી હતી. જેના કારણે પણ પરિણીતા ખૂબ જ દુઃખી હતી, પોતાની દીકરીને પાછી મેળવવા માટે પતિને આજીજી કરતી હતી, પરંતુ તે માનતો ન હતો.
પતિએ પત્નીને મારી : જે બાદ પતિ નોકરી અને ઇન્ટરવ્યુ આપવા માટે દબાણ કરતો હતો અને જેના કારણે કંટાળીને પરિણીતા સોડા મશીન નામની કંપનીમાં નોકરી લાગી હતી. જે બાબતનું કંપનીનું ઓફર લેટર પણ તેણે ભાઈને બતાવ્યું હતું. 9 જાન્યુઆરી 2023ના રોજ ફરિયાદીની બહેને તેઓને ફોન કરીને તેના પતિએ તેના પર હાથ ઉપાડ્યો હોય અને મોઢા તેમજ હાથ પર માર માર્યો હોય તેના નિશાન પડી ગયા હોય તે અંગે જાણ કરી હતી. ચાર મહિના અગાઉ ફરિયાદીના બનેવીએ ઘરમાં તોડફોડ કરી હતી અને ટીવી અને રિમોટ તોડી નાખ્યું હતું, તેમજ રસોડાનો સામાન પણ ફેંકી દીધો હતો અને તેઓ પત્નીને છોડી દેવા માંગતો હોય તેવું જણાવ્યું હતું.
આ અંગે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા ગુના સંદર્ભે આરોપીની ધરપકડ કરી ચેઝ આરોપીએ તેની દીકરીને વતનમાં માતા પિતાને સોંપી મૃતકને નોકરી કરવા દબાણ અને ત્રાસ આપતા તેઓએ આ પગલું ભર્યું છે. હાલ આ અંગે પુરાવાઓના આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. - આર.એમ ઝાલા (PI, નારોલ પોલીસ સ્ટેશન)
મહિલાએ આત્મહત્યા કરી લીધી : લગ્નના બે માસ બાદથી રજત હુડા દ્વારા ફરિયાદીની બહેનને અવારનવાર ત્રાસ આપી તેની મરજી વિરુદ્ધ તેની દીકરીને હરિયાણા મૂકી દઈ ઘરમાં તોડફોડ કરી ત્રાસ આપતા 2 જુલાઈ 2023ના રોજ પરિણીતાએ પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. અંતે આ સમગ્ર મામલે નારોલ પોલીસ મથકે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
- Ahmedabad Crime : જમાઈને આત્મહત્યા માટે મજબૂર કરી ફરાર થયેલો શિકારી પરિવાર ઝડપાયો, કેમ જીવન ટૂંકાવ્યું જૂઓ
- Ahmedabad News : પત્ની સાથે ઝઘડો થતા બ્રિજ પર આત્મહત્યા કરવા પહોંચ્યો યુવક, ફાયરે આ રીતે બચાવ્યો જીવ
- Surendranagar Crime News: સુરેન્દ્રનગરની સબ જેલમાં કિન્નર કેદીએ કરી આત્મહત્યા, આપઘાતનું કારણ અકબંધ