અમદાવાદના: સિંધુ ભવન રોડ ઉપર આવેલા બજરંગ સુપર માર્કેટના વેપારી દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમદાવાદના થલતેજમાં રહેતા હસમુખભાઈ પ્રજાપતિએ આ મામલે બે બહેનો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ ઘણા સમયથી બજરંગ સુપર માર્કેટ ધરાવતા હોય વર્ષ 2013 માં શીતલ (નામ બદલેલ છે) તેમના ત્યાં ચીજ વસ્તુઓ ખરીદી માટે વારંવાર આવતી હોય બંને વચ્ચે ઓળખાણ થઈ હતી. શીતલે પોતે સોફ્ટવેર એન્જિનિયર તરીકેની ઓળખ આપી હતી.
50 લાખ રૂપિયાનો ખર્ચ: વર્ષ 2015માં વેપારીને પોતાની દુકાનની એપ્લિકેશન બનાવવી હોવાથી શીતલ સાથે વાત કરતા તેણે 3.50 લાખ રૂપિયાનો ખર્ચ બતાવ્યો હોય જેથી ફરિયાદીએ ના પાડી હતી. જે બાદ વર્ષ 2016 માં તેઓએ અન્ય કંપની જોડે એપ બનાવી હતી. જે એપ સારી ચાલતી ન હોવાથી વર્ષ 2017 માં શીતલને સંપર્ક કરી દુકાનની એપ્લિકેશન બનાવવાની વાત કરતા તેણે 1 લાખ 60 હજાર રૂપિયાનો ખર્ચનો કોટેશન આપતા તેઓએ એપ્લિકેશન બનાવડાવી હતી. જે દરમિયાન વેપારીને શીતલ સાથે ગાઢ મિત્રતા થઈ હતી.
પ્રેમ સંબંધ બંધાયો: તે બાદ તેઓ અવારનવાર મળતા હતા અને વાતચીત પણ કરતા હતા. વર્ષ 2020માં કોરોના મહામારી ચાલતી હોવાથી શીતલને કોરોના થતા વેપારીએ મિત્રતાના નાતે તેની મદદ કરી હતી. જે સમયે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ ડિસેમ્બર 2020માં શીતલે વેપારીને પ્રપોઝ કરતા વેપારીએ પોતાના લગ્ન થઈ ગયા હોય અને સંતાનમાં એક પુત્ર પણ હોય તેવું જણાવતાં શીતલએ વેપારીની મેરેજ લાઇફથી કોઈ તકલીફ નથી વેપારીને પસંદ કરે છે, તેવું જણાવતા તેઓ બંને અવારનવાર મળતા હતા અને વાતચીત કરતા હતા.
આડા સંબંધ: જે બાદ શીતલ જે બિલ્ડિંગમાં રહેતી હોય તે જ બિલ્ડિંગમાં વેપારીએ મિત્રના નામે ફ્લેટ ખરીદ્યો હતો અને જે ફ્લેટમાં તેઓ યુવતી સાથે અવારનવાર મળતા હતા. જે બાદ વર્ષ 2022માં વેપારી હસમુખ પ્રજાપતિને જાણવા મળ્યું હતું કે શીતલ તેઓને અંધારામાં રાખી અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ ધરાવે છે. તેઓએ ઊંડાણપૂર્વક તપાસ કરતા તેઓને જાણવા મળ્યું હતું કે યુવતી જે જગ્યાએ રહે છે તે જ બિલ્ડીંગમાં રહેતા રવિ મોંઘા નામના યુવક સાથે વર્ષ 2011 થી તે આડા સંબંધ ધરાવે છે.
આપઘાતની ધમકી: જે અંગે તેઓએ શીતલને પૂછતા તેણે જણાવ્યું હતું કે તેના રવિ મોંઘા સાથે પહેલા સંબંધ હતા હવે નથી તે માત્ર મિત્ર છે. વેપારીએ તેને જણાવ્યું હતું કે રવિ મોંઘા તેના જ ઘરે રોજ જમવા આવે છે અને તેની સાથે રહે છે અને અગાઉ તે પુના ફરવા પણ ગયા હતા. જેથી જો તેને રવિ મોંઘા સાથે સંબંધ રાખવા હોય તો પોતાને તેની સાથે કોઈ સંબંધ રાખવા નથી, તેવું જણાવતા શીતલ તેઓના પર ઉશ્કેરાઇ હતી અને તેઓને તેમજ તેના કુટુંબીજનોના નામે લેટર લખી ફ્લેટમાંથી નીચે પડીને આપઘાત કરીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી વેપારી ડરી જતા તેઓએ શીતલ કહેતી તેવું જ કરવાનું શરૂ કર્યું હતું અને પ્રેમ સંબંધ ચાલુ રાખ્યો હતો.
ગર્ભપાત કરાવ્યું: 2022 ના સમયગાળામાં શીતલ સગર્ભા થઈ હતી અને વેપારીને જાણ થઈ હતી. જે બાદ શીતલએ તેની બહેનને વાત કરતા તેની બહેને તેનું ગર્ભ પડાવી દેવા માટે દબાણ કર્યું હતું અને તેણે ગર્ભપાત કરાવ્યું હતું તે બાદ વેપારીને જાણ કરી હતી. જે બાદ બંને બહેનોએ ભેગા મળીને વેપારી પાસેથી પૈસા પડાવવા માટે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. વેપારી ડરી જતા ફરિયાદીએ મિત્રના નામે લીધેલો ફ્લેટ પણ એપ્રિલ 2022 માં શીતલના નામે ટ્રાન્સફર કરી નાખ્યો હતો. જે બાદ આરોપીઓએ ભેગા મળી વેપારી પાસેથી ફ્લેટ અને અંદાજે 10 લાખ રૂપિયા રોકડા અથવા તો બેંક મારફતે પડાવી લીધા હતા. તેમજ અવારનવાર વેપારી પાસેથી ખંડણી ઉઘરાવતા હતા.
ફસાવી દેવાની ધમકી: શીતલની અવારનવાર પૈસાની માંગના કારણે વેપારીએ કંટાળી તેને પૈસા આપવાની ના પાડતા તે વેપારીની દુકાન ઉપર આવીને તેની ડરાવી ધમકાવી હતી. 2023માં યુવતી વેપારીના ઘરે ગઈ હતી અને કુટુંબીજનોને અને તેઓને દુષ્કર્મનો કેસ કરી ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. જે સમયે વેપારીને તેઓની પત્નીને છૂટાછેડા આપી દેવા માટે દબાણ કરતી હતી, જેથી વેપારીની પત્નીએ પોલીસને ફોન કરતા બંનેને પોલીસ મથકે લઈ જવાયા હતા જો કે તે સમયે બંને વચ્ચે સમાધાન થયું હતું.
કોર્ટમાં સમાધાન: ત્યારબાદ શીતલએ તેની બહેનની ચડામણીમાં આવીને વેપારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં કોર્ટમાં સમાધાન કરવાનું જણાવ્યું હતું, જે માટે વેપારીએ રકમ પણ આપી હતી. પરંતુ બાદમાં ફરિયાદ પણ પરત ખેંચી ન હતી અને વેપારી સાથે છેતરપિંડી આચરી હતી. ત્યારબાદ શીતલએ ફરિયાદી વેપારીના ડ્રાઇવર મારફતે તેઓનો સંપર્ક કરી પોતાની સાથે સંબંધ રાખવા જ પડશે અને હાલમાં એક એફઆઇઆર કરી છે, પછી ખોટા કેસ કરીશ તેવું જણાવતા વેપારીને ધમકીઓ આપીને તેઓની પાસેથી 40,000 ની માંગણી કરતા વેપારીએ ડ્રાઇવર મારફતે 40 હજાર રૂપિયા મોકલાવ્યા હતા.
અરજી કેન્સલ: વેપારી સામે શીતલએ કરેલી દુષ્કર્મની ફરિયાદમાં તેઓને રેગ્યુલર જામીન અરજી ગ્રામ્ય કોર્ટમાંથી મળતા શીતલએ જામીન અરજી કેન્સલ કરાવવા માટે બીજી અરજી કરી હતી. જે કેન્સલ કરવાની અરજીના સમર્થનમાં તેણે પોતે કહે તેમ કરશે તો જ અરજી પરત ખેંચશે તેવું જણાવતા વેપારીએ તેની વાત માની હતી અને જે બાદ તેણે અરજી પરત ખેંચી હતી. જે બાદ શીતલએ 1,00,000 રોકડા લીધા હતા અને સાથે જ એક લખાણ પણ વેપારી પાસે કરાવ્યું હતું અને માસિક ભરણપોષણ પેટે 60,000 અથવા તો એક જ વખતમાં એક કરોડ રૂપિયા આપવા પડશે તેવી માંગ કરી હતી.
ડરાવી ધમકાવી પોતાની મિત્રના ઘરે: 2023 ના અરસામાં વેપારી રાજસ્થાન ખાતે ગયા હોય તેને ધમકીઓ આપી અમદાવાદ બોલાવી તેની મિત્રના ત્યાં ત્રણ દિવસ સુધી રાખ્યા હતા. જો વેપારી ક્યાંય પણ જશે તો ખોટા કેસ કરીને જેલહવાલે કરાવી દેવાની ધમકી આપી હતી. તેમજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ભરણપોષણની અરજીની મુદત હોય જે અરજીમાં હાજર રહેવાનું છે, જેથી ત્રણ દિવસ સુધી અહીં રહેવાનું છે, તેવું જણાવીને ડરાવી ધમકાવી પોતાની મિત્રના ઘરે જબરદસ્તી ગોંધી રાખ્યા હતા.
બ્લેકમેલ કરી દારૂ પીવડાવી: જે બાદ શીતલ વેપારીને ઉજ્જૈન ખાતે મંદિરમાં દર્શન કરાવવા માટે લઈ ગઈ હતી અને ત્યાં ગયા બાદ એક હોટલમાં વેપારીને સાથે રોકાઈ હતી. જે દરમિયાન તેઓને બ્લેકમેલ કરી દારૂ પીવડાવી પોતાની સાથે શારીરિક સહવાસ કર્યો હતો. બાદમાં અમદાવાદ ખાતે પરત વેપારીને હવે રાજસ્થાન જવું હોય તો જઈ શકે છે, પરંતુ જ્યારે બોલાવો ત્યારે મારી પાસે આવું પડશે અને પૈસા પણ આપવા પડશે તેવું જણાવ્યું હતું.
હોટલ ઉપર ગાડી: વેપારી રાજસ્થાન ખાતે ગયા હતા જે સમયે તેઓના માતા પિતાએ તેઓને પોતાની મિલકતમાંથી બે દાખલ કરવા માટે જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી હતી, જે અંગેની જાણ શીતલને થતા તેણે ઉશ્કેરાઈને રાજસ્થાન ખાતે ગઈ હતી. પોતાની કારમાં જબરદસ્તી વેપારીને બેસાડીને ગુજરાત પરત ફરી હતી, જોકે મહેસાણા ખાતે ચા નાસ્તો કરવા માટે હોટલ ઉપર ગાડી ઉભી રાખી હતી, તે સમયે વેપારી ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ જુલાઈ 2023 માં શીતલએ ફરિયાદીને ફોન કરીને ઉજ્જૈન ખાતે જે સંબંધ બાંધ્યા હતા તેનાથી ગર્ભ રહી ગયો હોય જેની સારવાર કરાવવા માટે 25000 રૂપિયાની માંગણી કરી હતી. જેથી વેપારીએ ડ્રાઇવર મારફતે 25 હજાર રૂપિયા મોકલાવ્યા હતા. જોકે ફરીથી તેણે પૈસાની માંગણી કરી હતી અને અંતે બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે બીજી ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બે બહેનો સામે ફરિયાદ નોંધાવી: આ રીતે શીતલે પોતાના મળતીયાઓ સાથે એકસંપ થઈને વેપારી તેમજ તેઓના કુટુંબીજનોને ધમકીઓ આપી જાનથી મારી નાખવાની વાત કરી ખોટા કેસોમાં ફસાવી દેવાનું ડર બતાવી હેરાનગતિ કરી હોય અને પૈસા પડાવ્યા હોય આ મામલે છેતરપિંડી, અપહરણ, ખંડણી અને ધમકીઓ આપવા અંગે બોડકદેવ પોલીસે બે બહેનો સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.