અમદાવાદ: અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે બોલાચાલી તેમજ સંઘર્ષના અનેક કિસ્સાઓ સામે આવે છે. ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી સારી કામગીરીના કિસ્સાઓ ખૂબ જ ઓછા લોકો સુધી પહોંચી શકે છે. તેવામાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ એક યુવક માટે દેવદૂત બની હોય તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. વાહન ચાલકને અચાનક છાતીમાં દુખાવો થતા ટ્રાફિક પોલીસ દવાખાને લઇ ગયો હતો.
શું બની ઘટના?: આજે બપોરના સમયે કાલુપુર સર્કલ પાસે ટ્રાફિક પોલીસ ટ્રાફિક સંચાલનની કામગીરી કરી રહી હતી. તેવામાં GJ-01-UW-8105 નંબરની એક્ટિવાનો ચાલક જે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેને અચાનક છાતીમાં ખુબજ દુખાવો થતા તેણે ચોકી પાસે આવી પોલીસને જાણ કરી હતી. તેણે જણાવ્યું હતું કે મને છાતીમાં ખુબજ દુખાવો થાય છે, અને બાદમાં તે બેભાન થઈ ગયો હતો. જેથી કાલુપુર સર્કલ પર હાજર પોલીસના માણસોએ તરત તેને પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કર્યું હતું અને 108 ને ફોન કરી શારદાબેન હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો.
'ટ્રાફિક પોલીસને હાલમાં સીપીઆર સહિતની પ્રાથમિક સારવાર આપવા અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. બપોરના સમયે કાલુપુર સર્કલ ઉપર ટ્રાફિક પોલીસ ફરજ બજાવી રહી હતી તે દરમિયાન યુવક તેઓની પાસે આવ્યો હતો અને બેભાન થઈ ગયો હતો. તેને છાતીમાં દુખાવો થતો હોવાથી પોલીસે તેને પ્રાથમિક સારવાર CPR (CARDIO PULMONARY RESUSCITATION) આપી હતી. બાદમાં 108 ને જાણ કરતા યુવકને સમયસર CPR સહિતની સારવાર મળી રહેતા તેનો જીવ બચાવી લેવાયો છે.' -અશોક રાઠવા, ટ્રાફિક ACP
વાહન ચાલક સલામત: યુવકનું નામ મો. રફીક અબ્દુલ હમિદ શેખ હોવાનું સામે આવ્યું હતું. હોસ્પિટલમાં અને કાલુપુર ચાર રસ્તા પર યુવકને સમયસર પ્રાથમિક અને બાદમાં હોસ્પિટલમાં સારવાર મળી રહેતા તેનો જીવ બચી ગયો હતો.