અમદાવાદ : અમદાવાદના પશ્ચિમ વિસ્તાર અને એસ જી હાઇવે પર રેસિંગ માટે અને જીવના જોખમે નબીરાઓ રેસિંગ અને ગંભીર સ્ટંટ કરતા હોય છે. ઉપરાંત સ્પીડ લિમિટ કરતા વધારે ઝડપથી ગાડી હંકારે છે અને અકસ્માત સર્જે છે. તથ્ય પટેલના કિસ્સા બાદ ફરીથી અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર એક મર્સિડીઝ કારચાલકે પૂરપાટ ઝડપે ગાડી ચલાવી અન્ય લોકોનો જીવ જોખમમાં મૂક્યો હતો.
બેફામ નબીરાનો ત્રાસ : અમદાવાદના સિંધુ ભવન રોડ પર એક કારચાલકે બેદરકારીપૂર્વક ગાડી ચલાવી પાછળ આવી રહેલી ત્રણ ગાડીઓને ગોળ ફરીને ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતની આ ઘટના એટલી ગંભીર હતી કે ટક્કર બાદ અકસ્માત સર્જનાર કારનું આગળનું ટાયર પણ નીકળી ગયું હતું. આ ઘટના બાદ તાત્કાલિક ફરિયાદ નોંધી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, અકસ્માત બાદ આરોપીની કારની નંબર પ્લેટ ગાયબ થઈ ગઈ હતી.
ભયાનક અકસ્માત : સિંધુભવન રોડ પર સર્જાયેલ અકસ્માત મામલે મોડી રાત્રે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પોતે પરિવાર સાથે પોતાની કારમાં ફરવા નીકળ્યા હતા. ત્યારે પાછળની બાજુથી GJ01RP0063 નંબરની એક મર્સિડીઝ કારના ચાલક રિશિત પટેલ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી પોતાની કારમાં નશો કરેલી હાલતમાં એકદમ ફૂલ ઝડપે, બેદરકારી તેમજ ગફલત રીતે ચલાવી કારના જમણી બાજુ આગળના ભાગે અને ફરીથી કારના ડાબી બાજુના ભાગે અથડાવી દેતા કાર ગોળ ફરી ગઈ હતી અને પાછળ આવતી અન્ય કાર સાથે પણ અથડાઈ હતી.
પોલીસે આરોપીને દબોચ્યો : અકસ્માત બાબતે N ડિવિઝન ACP શૈલેષ મોદીએ ETV BHARAT સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, મોડી રાત્રે 3-30 કલાકની આસપાસ અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. બાદમાં વહેલી સવારે આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે.
આરોપીના ગલ્લાતલ્લા : અકસ્માત બાદ પોલીસમાં ફરિયાદમાં ઉલ્લેખ કરાયેલ આરોપીની અટક કરવામાં આવી હતી. આરોપીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું કોઈ પણ પ્રકારનો સ્ટંટ કરતો ન હતો અને મેં કોઈ પણ પ્રકારનો નશો પણ કર્યો ન હતો. આ ઉપરાંત અકસ્માતની ઘટના બાદ ગાડીની નંબર પ્લેટ કાઢી લેવામાં આવી તે અંગે પણ આરોપીએ કંઈ બોલ્યો ન હતો, નંબર પ્લેટ કોણે કાઢી છે તથા કેમ કાઢી છે તે બાબતે પણ વાતને ટાળી રહ્યો હતો. દિવાળી હોવાના કારણે જ મોડી રાત્રે તેના મિત્ર જોડે ફરતા હોવાનું નિવેદન પણ આરોપીએ મીડિયા સમક્ષ આપ્યું હતું.
આરોપી નશામાં હતો ? અકસ્માત સર્જનાર આરોપીએ નશાકારક દ્રવ્યનું સેવન કર્યું હતું કે નહીં તે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જાણ થશે. ઉપરાંત ગાડીની સ્પીડ બાબતે FSL ને તપાસમાં સાથે રાખવામાં આવી છે. આમ હવે FSL ના રિપોર્ટ બાદ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે. જ્યારે આ ઘટનામાં કોઈ ફેટલ ન હોવાની પણ N ડિવિઝનના ACP શૈલેષ મોદીએ જણાવ્યું હતું.