અમદાવાદ : ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાને આડે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે, તેવામાં છેલ્લાં 1 મહિનાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. દર વર્ષની રથયાત્રા અમદાવાદ પોલીસ માટે પરીક્ષા હોય છે જેથી આ વખતે પણ પોલીસે રથયાત્રાને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે કમર કસી છે.
રક્તદાન કેમ્પનું આયોજન : કોમી સૌહાર્દ વધારવાના ભાગરૂપે અમદાવાદ પોલીસે એકતાનો એક રંગ સંદેશા સાથે જગન્નાથ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજીત આ રક્તદાન કેમ્પમાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત હિંદુ-મુસ્લિમ સમુદાયના યુવક યુવતીઓ અને મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. શરૂઆતના કલાકમાં જ 200 બોટલથી પણ વધુ રક્તદાન થયું હતું. દિવસ દરમિયાન એકત્ર થયેલા રક્તનો ઉપયોગ થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સારવાર માટે કરવામાં આવશે.
રથયાત્રા હિંદુ મુસ્લિમની એકતાનું પ્રતિક છે. દર વર્ષે મોટી સંખ્યામા મુસ્લિમ સમાજના યુવાનો રક્તદાન માટે આવે છે અને આ વખતે મહિલાઓ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરવા આવી છે તે ખૂબ જ સારી વાત છે...ઈમરાન ખેડાવાલા (ધારાસભ્ય)
હિંદુ-મુસ્લિમ એકતા : ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા હમેશાથી હિંદુ-મુસ્લિમ એકતાનો સમન્વય રહી છે. શહેર પોલીસ દ્વારા છેલ્લાં 5 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો ભાગ લે છે. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને અમદાવાદ શહેર પોલીસના સંયુક્ત પ્રયાસથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં શહેર પોલીસ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ સહિતના અનેક આયોજનો કોમી એકલાસ માટે કરવામા આવશે.
અમે 25થી 28 મિત્રોનું ગૃપ આજે રક્તદાન કરવા માટે આવ્યું છે. અમને ખૂબ જ આનંદ થાય છે કે પોલીસે દ્વારા આ સરસ આયોજન કરાયુ છે. જયેશ સોલંકી (કાર્યક્રમમાં રક્તદાન કરનાર)
તમામ ધર્મના યુવાનોએ ભાગ લીધો : આ અંગે અમદાવાદ શહેરનાં સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1 નીરજકુમાર બડગુજરે જણાવ્યું હતું કે અમદાવાદ પોલીસમાં ઝોન 3 વિસ્તારમાં આજે જગન્નાથ મંદિર ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ છે, આજે 1000 રક્ત બોટલ એકત્ર કરીને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવાનો લક્ષ્ય છે અને વધુમાં વધુ તમામ ધર્મના યુવાનો આ રક્તદાન કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે.