અમદાવાદ : રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા 15 દિવસથી રાજકોટમાં પણ અલગ અલગ મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે અમદાવાદના મણિનગર વિસ્તારમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લમ ક્વોટર્સનો ગેલેરીનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં ફાયર વિભાગ દ્વારા 30 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી સહીસલામત બહાર કાઢવામાં આવ્યા છે. તો બીજીતરફ અન્ય એક બનાવમાં સૈજપુર બોઘામાં પ્રભાકર સોસાયટીના મકાનમાં વીજળી પડતા ધાબાની છત પડી ગઇ હતી. જેમાં પણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી કામગીરી કરતી નજરે પડી હતી.
અમદાવાદ ફાયર વિભાગને સવારે 7:22 ઇમરજન્સીનો પહેલો કોલ મળ્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે સબ ઓફિસ અને મોકલવામાં આવ્યા હતાં ત્યાંથી માહિતી મળતા જ અહીંયાથી ફાયર વિભાગની ત્રણ ગાડી ત્યાં પહોંચીને તમામ લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે...જયેશ ખડિયા( AMC ચીફ ફાયર ઓફિસર)
30 લોકોનું રેસ્કયુ : ફાયર વિભાગના અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ ઉત્તમનગર પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જૂના સ્લમ સ્લમ ક્વોટર્સની બ્લોકની ગેલેરીનો ભાગ એક અચાનક તૂટી પડ્યો હતો. આ પહેલા પણ એક નાનકડો ભાગ તૂટી પડતા તેના સ્થાનિક લોકોએ કોઈ પણ પ્રકારની ધ્યાન આપ્યું ન હતું. પરંતુ આજે સવારે આખી ગેલેરીનો ભાગ તૂટી પડતા ભારે દોડધામ મચી ગઈ હતી. અહીં રહેતા કેટલાક પરિવારો ગભરાઇને ઘરની બહાર નીકળી ગયા હતા. પરંતુ ફાયર વિભાગને જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં ક્વોટર્સની પાછળના ભાગની બારીમાંથી 30 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.
35 વર્ષ જૂનું ક્વાર્ટર્સ : ઉત્તમનગરના ગાર્ડન પાસે આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ સ્લમ ક્વોટર્સ અંદાજિત 35 વર્ષ જૂનું હોવાનું પણ સામે આવ્યું છે. આ સ્લમ ક્વોટર્સમાં 17 જેટલા પરિવારો રહેતા હતાં. રહેવાનું ખૂબ જ જરૂરી હોવાને કારણે કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. પરંતુ આ જ વહેલી સવારે એક નાનકડો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. જે સ્થાનિક લોકો દ્વારા નજર અંદાજ કરવામાં આવ્યો હતો. પરંતુ દસ મિનિટ બાદ અચાનક બીજા અને ત્રીજા માળની ગેલરીનો ભાગ અચાનક તૂટી પડતાં જ તેમાં રહેતા તમામ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
નોટીસ પાઠવી હતી : સ્લમ ક્વોટર્સનો ભાગ તૂટી પડતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા આખું ક્વાટર્સ ખાલી કરી દેવામાં આવ્યું છે. એસ્ટેટ વિભાગ દ્વારા પણ અગાઉ પહેલા આ મકાન જર્જરિત થવાની નોટિસ પણ પાઠવવામાં આવી હતી. તેમ છતાં સ્થાનિક લોકોએ આ ક્વાર્ટર્સ ખાલી કર્યા ન હતા. જેના કારણે આજે મોટી ઘટના થતાં સહેજમાં અટકી છે.