અમદાવાદ: રવિવારે તલાટી કમ મંત્રીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યવસ્થા એવી ગોઠવવામાં આવી હતી કે, કોઈ પણ મુશ્કેલી પડે તો સીધો જ પોલીસ ખાતા નો સંપર્ક કરી શકાય. ઉમેદવારો સાથે આવેલા વાલીઓને ગરમીમાં પીવાના પાણીથી લઈ ઉમેદવારોને જે તે ડોક્યુમેન્ટ માટે પોલીસ વિભાગે મદદ કરી પ્રશંસનીય કામગીરી કરી હતી. એમના આ દરેક પગલાની નોંધ રાજ્યના પોલીસવડાએ લીધી છે. આવી સરસ કામગીરીને ધ્યાને લઈને રાજ્યના પોલીસવડાએ પ્રશંસાપત્ર આપીને એ દરેક પોલીસ કર્મચારીઓનું ખરા અર્થમાં સન્માન કર્યું છે. એટલું જ નહીં દરેક પોલીસ કર્મચારીઓને તથા એ આખી ટીમને અભિનંદન પાઠવ્યા છે.
બસ સ્ટેન્ડથી પરીક્ષા કેન્દ્ર સુધી: તારીખ 7મી મેના રોજ રાજ્યના તમામ શહેર જિલ્લા ખાતે તલાટીની પરીક્ષા યોજાઈ હતી. ત્યારે તલાટીની પરીક્ષા આપવા માટે ઉમેદવારો માટે બસો અને રેલવે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમ છતાં પણ કોઈ ઉમેદવારને મુશ્કેલી પડે તો તેને મદદ કરવા માટે પોલીસ કંટ્રોલરૂમમાં તે ફોન કરીને પોલીસ મદદ મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગરમીના સમયમાં પરીક્ષાર્થી તેમજ વાલીઓને બેસવા માટે મંડપ અને ચા પાણીની વ્યવસ્થા તેમજ પરીક્ષાર્થી ડોક્યુમેન્ટ ભૂલી ગયો હોય તો ડોક્યુમેન્ટ મેળવવામાં મદદ બસ સ્ટેન્ડથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ દિવ્યાંગ ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની મદદ તેમજ આ જ પ્રકારના અલગ અલગ રીતે પોલીસ દ્વારા માનવીય અભિગમ દાખવીને પરીક્ષાર્થીઓની મદદ કરવામાં આવી હતી. જે સરાહનીય કામગીરી ડીજીપી વિકાસ સહાય દ્વારા બિરદાવવામાં આવી છે.
ગુજરાત પોલીસને અભિનંદન: ભવિષ્યમાં પણ આવા પ્રસંગે આવી પ્રશંસનીય કામગીરી ઉત્સાહથી પોલીસ કર્મીઓ કરતા રહે તે હેતુથી રાજ્યના તમામ શહેર અને જિલ્લાના 163 પોલીસ અધિકારી કર્મચારીઓને રોકડ ઇનામ તેમજ પ્રશંસાપત્ર પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યા છે. પોલીસનો એકમાત્ર અભિગમ તલાટીની પરીક્ષા આપવા આવતા ઉમેદવારો તરફી એવો હતો કે તેઓને કોઈ મુશ્કેલી ન પડે. જે માટે તેઓ પોલીસની હેલ્પ લઈ શકે અને તે માટે જ પોલીસ દ્વારા કંટ્રોલ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યું હતું. આમ ગુજરાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેના બદલ ડીજીપી વિકાસ સહાયે તમામ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા છે.