અમદાવાદ : શહેર પોલીસને આપવામાં આવેલી સીપીઆર તાલીમ ફરી એક વાર કારગત સાબિત થઈ છે. અગાઉ આ જ તાલીમની મદદથી ટ્રાફિક પોલીસ દ્વારા બે લોકોના જીવ બચાવવાની મહત્વની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર પોલીસ દ્વારા સીપીઆરની મદદથી એક વ્યક્તિને સમયસર સારવાર આપી જીવ બચાવ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલમાં પહોંચાડતા તે વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ થયો હતો.
મહારાષ્ટ્રનો પરિવાર : બનાવની મળતી વિગત અનુસાર તાલીમ કંપનીના એડીઆઇ નરેન્દ્રભાઈ, રિઝવાન ભાઈ, જશવંતભાઈ, નરેશભાઈ, અજીતભાઈ, તરુણભાઈ, રાખીબેન અને હર્ષાબેન ટ્રાફિક ડીસીપી પૂર્વની કચેરીએ જન્માષ્ટમીના બંદોબસ્ત માટે ફરજ પર હાજર હતા. તે દરમિયાન એક પરિવાર મહારાષ્ટ્રથી આવ્યો હતો. જેમાં પતિ પત્ની સાથે એક નાનું બાળક પણ હતું. આ પરિવાર એરપોર્ટ આવી પ્રાઇવેટ ટેક્સીમાં મિટિંગ માટે જઈ રહ્યો હતો.
યુવકને છાતીમાં દુખાવો : આ પરિવાર જ્યારે ટ્રાફિક ડીસીપી પૂર્વની ઓફિસ આગળથી પસાર થતું હતું, ત્યારે મિટિંગમાં આવેલા યુવકને છાતીના ભાગે દુખાવો થતાં ટેક્સીના ડ્રાઇવરે ગાડી ઉભી રાખી હતી. આ અંગે ત્યાં ફરજમાં રોકાયેલા તાલીમના એડીઆઇને જાણ કરવામાં આવી હતી. તમામ એડીઆઇ તરત જ ગાડી પાસે જઈને તે ભાઈને ગાડીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તે વ્યક્તિને રોડ પર સુવડાવીને તાત્કાલિક નરેન્દ્રભાઈ અને રિઝવાનભાઈ દ્વારા સીપીઆર આપવામાં આવ્યો હતો.
પોલીસકર્મીએ CPR આપ્યું : સીપીઆર દ્વારા અસ્વસ્થ વ્યક્તિની શ્વાસોશ્વાસની ક્રિયાને પરત લાવવામાં આવી હતી. તે દરમિયાન 108 ગાડીને જાણ કરીને બોલાવવામાં આવી હતી. તે ગાડી આવતા તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની તબિયત સારી થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી દેવામાં આવી છે.
પોલીસકર્મીનું સન્માન : પોલીસ તાલીમમાં સરાહનીય કામગીરી કરનાર એડીઆઈ દ્વારા બંદોબસ્તના સ્થળ પર પણ ફરજની સાથે સાથે માનવીયતા બતાવીને ઉત્તમ તેમજ સરાહનીય કામગીરી કરી હતી. જેથી આ કામગીરી કરનાર તમામ પોલીસકર્મીઓને સન્માનિત પણ કરવામાં આવશે તેવી માહિતી છે.