અમદાવાદ : અમદાવાદ શહેરની મધ્યમાંથી સાબરમતી નદી પસાર થાય છે. પરંતુ તે સાબરમતી નદીની અંદર સાબરમતીનું ચોખ્ખું પાણી નહીં પરંતુ અમદાવાદ શહેરમાં આવેલી જીઆઇડીસીના કેમિકલના પાણી ઠાલવવામાં આવી રહ્યા છે. કારણે કેન્દ્ર સરકારના એક રિપોર્ટ અનુસાર તેનો ભારતની સૌથી ગંદી નદીઓમાં પણ સમાવેશ થયો છે. જેને ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ અનેકવાર ફટકાર આપવામાં આવી છે.
અમદાવાદના બહેરામપુરા અને દાણીલીમડા વિસ્તારમાં આવેલી કેમિકલ ફેકટરીના પ્રદૂષિત પાણી રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. જેને લઈને રોગચાળો ફેલાય તેઓ ભય પણ જોવા મળી રહ્યો છે. વિવિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે તેને લઇને પ્રતિક્રિયા આપતાં રોષ વ્યક્ત કર્યો હતો. જેેને લઈને AMC અને GPCBએ સાથે મળીને 251 ગેરકાયદેસર જોડાણ કાપ્યા છે.
એક બાજુ કેન્દ્ર સરકાર દ્વારા એક લિસ્ટ જાહેર કરવામાં આવે છે કે જેમાં સાબરમતી નદીને સૌથી બીજા નંબરની પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવે છે. જેના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર ફટકાર આપવામાં આવી રહી છે અને કોર્પોરેશન દ્વારા ફેક્ટરીએ જઈને સીલ લગાવવાની કાર્યવાહી કરે છે. પરંતુ થોડાક અધિકારીઓ દ્વારા ફેક્ટરીઓ પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે. જેના મારેલા સીલને ખોલી નાખવામાં આવે છે. ફેક્ટરીનું કેમિકલવાળું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું પણ હવે ખુલ્લા રસ્તા પર છોડવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીના વિરોધ કરવાથી તે ફેક્ટરને સીલ મારવાનું કામગીરી હાથ ધરાઇ હતી. શહેઝાદખાન પઠાણ(વિપક્ષ કોંગ્રેસના નેતા)
કેમિકલવાળું પાણી ખુલ્લી જગ્યામાં છોડવામાં આવ્યું : વધુમાં તેમણે જણાવ્યું હતું કે સૌથી ચોકાવનારી વાત છે કે તે ફેક્ટરીમાંથી હજુ સુધી પણ કેમિકલ ફેકટરીના પ્રદૂષિત પાણી બંધ થવાનું નામ લેતું નથી. જે સાબરમતીમાં છોડવામાં આવી રહ્યું હતું તે હવે શહેરની ખુલ્લી જગ્યાઓમાં પણ છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે બહેરામપુરા અને દાણીલીમડાના વિસ્તારોમાં ચોમાસાનું પાણી પણ રોડ ઉપર અને કેમિકલવાળું પાણી પણ રોડ ઉપર જોવા મળી રહ્યું છે. જેના કારણે આજુબાજુના સ્થાનિક લોકો ભારે પરેશાનીમાં જોવા મળી રહ્યા છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
રોગચાળાનો ભય : ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુની અંદર માત્ર એક ઇંચ જેટલા વરસાદમાં જ પાણી ભરવાની સમસ્યાઓ સામે આવતી હોય છે. જેને કારણે ડ્રેનેજ લાઇન અને વોટર લાઈન બંનેનું પાણી એક થતું જોવા મળે છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવવાની પણ સમસ્યાઓ ઉભી થતી હોય છે. ત્યારે બહેરામપુરા અને દાણીલીમડાના વિસ્તારોમાં આવેલી કેમિકલ ફેક્ટરીઓ દ્વારા પણ તેનું પાણી રસ્તા ઉપર કે ખુલ્લા મેદાનમાં છોડવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં વરસાદી વાતાવરણના ભેજ અને આવી સમસ્યાને લઇને રોગચાળો ફેલાય તેેવો ભય પણ જોવા મળી રહ્યો છે.