અમદાવાદ : દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષોથી લોકો કોરોનાના નામ માત્રથી ધ્રુજી રહ્યા છે. જોકે કેન્દ્ર સરકારે કોરોનાને અંકુશમાં લાવવા કરેલા સફળ પ્રયત્નો બાદ આ મહામારી અંકુશમાં આવી ગઈ હતી. પરંતુ હવે કોરોનાના નવા વેરિયંટને કારણે ફરી એક વાર સરકાર દહેશતમાં આવી ગઈ છે. ત્યારે હવે ફરીથી દેશના અન્ય રાજ્યોમાં કોરોનાના કેસ જોવા મળતા ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.
માર્ગદર્શિકા જાહેર : કોરોનાના નવા વેરિયંટથી બચવા સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ અંગે હેલ્થ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સાથે જ કેન્દ્રીય આરોગ્ય વિભાગની કોરોના અંગેની નવી માર્ગદર્શિકાનો ચુસ્તપણે પાલન કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શિકામાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટમેન્ટ અને રસીકરણ અંગે ગાઇડલાઈન આપવામાં આવી છે.
દર્દીના જીનોમ સિકવન્સિંગ : અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના હેલ્થ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કોરોનાના સંભવિત ભય સામે હોસ્પિટલમાં કોવિડ પેશન્ટને સારવાર આપી શકાય એ હેતુથી 56 બેડ સાથેનો આઇસોલેશન વોર્ડ તૈયાર તૈયાર કરી દીધો છે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ આવનારા તમામ દર્દીના જીનોમ સિકવન્સિંગ કરવાની પણ તંત્ર તરફથી તૈયારી કરવામાં આવી છે.
તમામ ટ્રીટમેન્ટની તૈયારીઓ : જો હાલ વાત કરવામાં આવે તો અસારવા સિવિલ હોસ્પિટલના હેલ્થ વિભાગે કોરોનાની સંભવિત બીમારીને પગલે છેલ્લા બે માસથી પૂર્વતૈયારીઓ આરંભી દીધી છે. જેમાં ઑક્સિજનની પર્યાપ્ત માત્રા, કોરોનાના દર્દી માટે અલાયદા બેડ, સહિત દર્દીને આપવામાં આવતી તમામ ટ્રીટમેન્ટની તૈયારીઓ કરવામાં આવી છે.
તકેદારીના તમામ પગલાં લેવા તાકીદ : ગુજરાતમાં સંભવિત કોરોના સંક્રમણને પહોંચી વળવા હાલમાં આરોગ્ય વિભાગની ટીમ સંપૂર્ણપણે સજ્જ બની ગઈ છે. ત્યારે દેશભરમાં કોરોનાના વધતા કેસ તથા કોરોના વાઈરસના નવા વેરિયન્ટ જેએન1ને લઈ કેન્દ્ર આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના તમામ પગલાં લેવા તાકીદ પણ કરાઈ છે. તંત્ર તરફથી પણ કોરોનાના સંભવિત આક્રમણને લઈ અત્યારથી જ તંત્ર દ્વારા મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સારવારની સુવિધાઓ ચેક કરાઇ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડના પેશન્ટને સારવાર આપી શકાય એ માટે વોર્ડ પણ તૈયાર કરી દેવાયો છે. ઉપરાંત કોરોનાના પોઝિટિવ કેસ આવશે ત્યારે તમામનું જીનોમ સિકવન્સિંગ કરવાની તંત્રની તૈયારી છે. કોવિડના સંભવિત આક્રમણને રોકવા ટેસ્ટ, ટ્રેક, ટ્રીટમેન્ટ ઉપર ભાર મુકવામાં આવશે. રેન્ડમ ટેસ્ટિંગ દરમિયાન કોવિડ ઉપરાંત ઈન્ફલુએન્ઝા સહિતના અન્ય લક્ષણ બાબતમાં પણ તપાસ કરાશે.