અમદાવાદ : આશારામના દીકરા નારાયણ સાંઈના ફરિયાદી પર હુમલો કરનાર આરોપીની ગુજરાત ATSએ મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે. નારાયણ સાંઈ વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ દુષ્કર્મની ફરીયાદના મામલે ફરિયાદી મહિલાના પતિને જાનથી મારી નાખવાના ઇરાદે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલાને લઈને ગુજરાત ATSએ મધ્યપ્રદેશથી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કેવી રીતે પકડ્યો : ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી કે, સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર શાહુ સુસનેર તાલુકામાં આસારામના આશ્રમમાં ગૌશાળામાં સેવા કરે છે. હાલમાં મધ્યપ્રદેશના સાજાપુર જિલ્લાના અકોદીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચારો લેવા માટે આવવાનો છે. જે બાતમીના આધારે ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશના અકોદીયા વિસ્તારમાં વોચ ગોઠવી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર શાહુની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : IAS Nitin Sagwan Attack Case : સાબરકાંઠામાં IAS અધિકારી પર હુમલો, ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર
ફરીયાદ નોંધાવનાર પર હુમલો : પકડાયેલા આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર શાહુની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, તે મૂળ મધ્યપ્રદેશ ભોપાલનો વતની છે. અગાઉ વર્ષ 2014માં અમદાવાદ ખાતેના આસારામના મોટેરા સ્ટેડિયમ ખાતેના આશ્રમમાં રહેતો હતો. સભા હોય ત્યાં તંબુ લગાવવાનું કામકાજ સંભાળતો હતો. ફેબ્રુઆરી 2014માં નારાયણ સાંઈની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર મહિલાના પતિ પર આ આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે પીઠના ભાગે બે ઘા તેમજ ડાબા જડબા પર એક ઘા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ પણ વાંચો : Ahmedabad Crime: સિંધુભવન રોડ પર કાર વડે પોલીસ પર જીવલેણ હુમલો કરનારો ઝડપાયો, 5 ફરાર
આરોપી ઘર છોડીને છુટો ફરતો : જે મામલે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં આરોપીનું નામ ખુલ્યું હતું. તેથી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર શાહુએ પોતાના કુટુંબના સભ્યો સાથે સંપર્ક છોડી દીધો હતો. પોતાનું ઘર છોડીને નાસ્તો ફરતો હતો. આ મામલે પકડાયેલા આરોપીને પૂછપરછ પૂર્ણ કરી ગુજરાત ATSએ સુરતના ખટોદરા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આશારામ તેમજ તેનો દીકરો નારાયણ સાંઈ પર અનેક ગુનાઓ લાગેલા છે. ત્યારે તેના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવનાર પર હુમલા કરવાના પણ સમાચાર સામે આવ્યા હતા.