અમદાવાદ: શહેરના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ થવાનું છે. સ્ટેશનને આધુનિક બનાવવા માટે પ્રોજેક્ટને મંજૂરી પણ મળી ગઈ છે. તેવામાં રેલવે સ્ટેશનના રીડેવલોપમેન્ટને લઈને એક ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કાલુપુર રેલવે સ્ટેશન 1 ઓક્ટોબરથી મુસાફરો માટે બંધ થશે. જોકે આવા ફેક ન્યુઝ વાયરલ થતાં આ સમાચાર વાયુવેગે શહેરમાં ફેલાઈ ગયા હતા.
'સમગ્ર મામલે પૂછતાછ કરતા અધિકારીએ જણાવ્યું હતું કે કાલુપુર રેલવે સ્ટેશન મામલે ચાલી રહેલા સમાચાર ફેંક છે. હજી સુધી રેલવે તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવ્યું નથી. કાલુપુર રેલવે સ્ટેશન મુસાફરો માટે ચાલુ છે. રેલવે દ્વારા આવો કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે ત્યારે અધિકારીક રીતે તેની જાણ કરવામાં આવશે. ત્યારે સોશિયલ મીડિયામાં ફરતા આવા ફેક ન્યૂઝ પર ધ્યાન નહીં આપવા તંત્રે અપીલ કરી છે.' -જિતેન્દ્ર જયંત, સિનિયર પીઆરઓ, પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન
મેસેજ તદ્દન ખોટો: ગુજરાતના સૌથી મોટા ગણાતા અને રોજના બે લાખથી પણ વધુ પેસેન્જરની કાલુપુર રેલવે સ્ટેશન પર અવર-જવર રહે છે. ત્યારે કાલુપુર રેલવે સ્ટેશનને આધુનિક બનાવવા રેલવે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ થવાનું છે. આ રિ-ડેવલપમેન્ટ પગલે 1 ઓક્ટોબર 2023 થી 27 ઓગસ્ટ 2024 સુધી કાલુપુર રેલવે સ્ટેશન મુસાફરો માટે બંધ રહેશે તેવો એક ફેક મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ સમગ્ર બાબતે તપાસ કરતા આ મેસેજ તદ્દન ખોટો હોવાનું સામે આવ્યું હતું. અધિકારી એ આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે કાલુપુર રેલવે સ્ટેશનનું રિ- ડેવલપમેન્ટ બાબતે હજી સુધી ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. જેથી અધિકારીની સ્પષ્ટતા બાદ મીડિયામાં જે મેસેજ અને રિ-ડેવલોપમેન્ટ પ્લાન ફરતો થયો છે તે ખોટો હોવાનું સામે આવ્યું છે.
મુસાફરો માટે ચાલુ જ રહેવાનું: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના સિનિયર પીઆરઓ જિતેન્દ્ર જયંતે સમગ્ર મામલે વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટ બાબતે હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. અને હજુ સુધી કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવ્યું નથી. પરંતુ ટેન્ડર પ્રક્રિયા બાદ ટ્રેનના રુટ ચાલુ રાખવા અંગે પ્લાનિંગ થશે. હાલ સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે તદ્દન ખોટો છે. કાલુપુર રેલવે સ્ટેશન હાલમાં મુસાફરો માટે ચાલુ જ રહેવાનું છે.