અમદાવાદઃ અમદાવાદ શહેરમાં બુધવારે બપોરના સમયે વિકારણ આગ લાગી હતી. જેમાં 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના વાવડ મળ્યા છે. આગ એટલી ભયાનક હતી કે, ફાયર વિભાગે પોતાના ડિપાર્ટમેન્ટમાંથી ઈમરજન્સી કોલ જાહેર કર્યો હતો. આગને કારણે 20થી વધારે દુકાન સળગી ગઈ હતી. આકાશમાં ધૂમાડાં સિવાય કંઈ દેખાયું ન હતું.
'અમદાવાદના બાપુનગર ખાતે અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપર આવેલા સંજયનગરના છાપરાની સામે આવેલા વિકાસ એસ્ટેટના ફટાકડા બજારમાં 04:00 વાગ્યાની આસપાસ ફટાકડાના બે ગોડાઉનમાં આગ લાગી હતી. અમને આ બનાવની જાણ થઇ જેથી અમદાવાદની ફાયરબ્રિગેડની તમામ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.' -જયેશ ખડીયા, ચીફ ફાયર ઓફિસર
ધડાકા થયા હતાઃ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા સ્ટાર્ચ મિલ રોડ પર વિકાસ એસ્ટેટમાં આગ લાગી હતી. જ્યાં મોટા ભાગના ફટાકડાના ગોદામ આવેલા છે. અમદાવાદ ફાયર વિભાગની મોટાભાગની ગાડીઓ અહીં દોડી આવી હતી. સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફટાકડાના ગોદામમાં આગ લાગતા ફટાકડા ઘડાકા સાથે ફૂટ્યા હતા. બપોરના ચાર વાગ્યા આસપાસ આ આગ લાગી હોવાનું સ્થાનિકોની વાતમાંથી જાણવા મળે છે. એક કિમી સુધી આગના ધૂમાડાં જોવા મળ્યા હતા.
'વિકાસ એસ્ટેટના ફટાકડા બજારમાં આગ લાગ્યાની જાણ થતા પોલીસ કર્મીઓ તાત્કાલિક અહીં પહોંચી ગયા હતા અને હાલ 250 જેટલા પોલીસકર્મીઓ સમગ્ર વિસ્તારમાં તૈનાત છે. આ દુર્ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી અને આગ કેમ લાગી તેના કારણ શોધવા તરફ આમ તપાસ હાથ ધરી છે. આસપાસના હટાવી લેવામાં આવ્યા હતા. કોટડા શહેર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ આગ લાગી હતી.' -નીરજ બડગુર્જરે, સંયુક્ત પોલીસ કમિશનર, અમદાવાદ
આગ પ્રસરીઃ એક પછી એક દુકાનામાં આગ લગતા ફટાકડા હોવાને કારણે તણખા ઝર્યા હતા. જેના કારણે આસપાસમાં કામ કરતા શ્રમિકો તથા ગોદામ માલિકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 2 વ્યક્તિઓને ગંભીર ઈજા થતા શારદાબેન હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયા હતા. આ ઘટનામાં ફાયર વિભાગના ત્રણ સ્ટાફને પણ ઈજા થઈ છે. જ્યારે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે આગે વિકરાળ રૂપ લઈ લીધું હતું. ફાયરની ટીમે કોઈ પ્રકારનો વિલંબ કર્યા વગર પાણીનો મારો ચાલું કરી દીધો હતો.
આ પણ વાંચોઃ
નાસભાગ થઈઃ થોડીવાર માટે સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આગની સ્થિતિ જોઈને આસપાસનો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એક સાથે ફાયરની ગાડીઓએ વોટર ફાયરિંગ કરતા સ્થિતિ પર કાબુ મેળવતા ફાયર વિભાગના સ્ટાફને પણ ઘણી મહેનત કરવી પડી હતી.