અમદાવાદઃ લગ્ન બાદ દહેજ માટે વધતા બનાવો રોજબરોજ પોલીસ સ્ટેશનમાં આવી રહ્યા છે. ત્યારે કોઈ પત્ની પાસે રૂપિયા તો કોઈ લકઝરી વસ્તુઓની માગ કરે છે. હવે આવા મામલા પોલીસ સ્ટેશન જતા લાલચુ લોકોની માનસિકતા સપાટી પર આવી રહી છે.
સોલા વિસ્તારમાં રહેતી એક શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી છે કે ચાર વર્ષ પહેલાં તેના લગ્ના સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નના થોડા મહિના સુધી તો પરિવારમાં બધુ વ્યવસ્થિત ચાલતું હતું. પરંતુ થોડા દિવસ બાદ પતિ તેને માનસિક ત્રાસ આપી ધમકાવતો હતો. તેમજ વારે ઘડીએ તેના પિતાના ઘરેથી કારના રૂપિયા લઇ આવવા માટે પણ દબાણ કરતો હતો. આ મામલે તેની સાસુ પણ તેના પતિનો સાથ આપતી હતી.
કામથી બહારગામ ગયેલો પતિ અચાનક ઘરે આવતાની સાથે જ તેને ધમકી આપવા લાગ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તારા બાપને ત્યાથી કાર લઈ આવ અને થોડી વારમાં પરિણીતાની સાસુ પણ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેના પર હુમલો કરી દીધો હતો. આ હુમલાથી ગભરાયેલી પરિણીતા રડવા લાગી હતી. આ દરમિયાન પતિએ ધમકી આપી હતી કે, તે તેને એપાર્ટમેન્ટના ઉપરના માળેથી નીચે ફેંકી દેશે. આ મામલે ગભરાયેલી પરિણીતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.