અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના કણભામાંથી ઝડપાયેલા હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કમાં મોટો ખુલાસો થયો છે. પકડાયેલા એક એજન્ટે 8 સગીરાને વેચી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં તપાસ દરમિયાન વધુ 2 એજન્ટની ધરપકડ કરી છે. અસારવામાંથી અપહરણ કરાયેલી સગીરાને સલામત છોડાવીને પોલીસે પરિવારને સોંપી છે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ચાલતા માનવ તસ્કરીના નેટવર્કને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
સગીરાના સોદાગરઃ કણભામાં 13 વર્ષની બાળકીના અપહરણ કેસની શરૂ થયેલી તપાસ માનવ તસ્કરીના નેટવર્ક સુધી પહોંચી છે. એક 14 વર્ષની દીકરીને છોડાવીને પોલીસે એના પરિવારને સોંપી છે. આ કેસમાં અશોક પટેલ તેની પત્ની રેણુકા, રૂપલ, બે એજન્ટ અમરતજી ઠાકોર અને ચેહરસિંગ સોલંકી, માણસાના બોરું ગામમાં આશરો આપનાર મોતી સેનમાં તેમજ અશોકના સગીર દીકરાની ધરપકડ કરવામાં આવી છે.
કુકર્મ કર્યું હતુંઃ આ ટોળકીએ અસારવાથી 14 વર્ષની દીકરીને અપહરણ કરીને સંખ્યાબંધ વખત બળાત્કાર કર્યો હતો. સુરેન્દ્રનગર એક પરિવારને વેચીને લગ્ન કરાવ્યા હતા. કણભાની સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસની તપાસ દરમિયાન આ સગીરાની માહિતી મળતા પોલીસે સુરેન્દ્રનગરથી બાળકીને શોધી હતી. જૂન 2022 માં ગુમ થયેલી દીકરી એક વર્ષ બાદ પરત ફરતા પરિવારમાં દિવાળી જેવો માહોલ હતો.
મોટી યાતના સહન કરીઃ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા આ કેસમાં મળી છે. દીકરીએ એક વર્ષમાં જે યાતના સહન કરી તેની દહેશત હજુ પણ તેના મનમાં જોવા મળી હતી. માનવ તસ્કરીનો માસ્ટર માઈન્ડ અશોક પટેલ અને ચહેરસિંગ સોલંકી છે. ચહેરસિંગ પાલનપુરનો રહેવાસી છે. આરોપી અશોક અને તેની પત્ની રેણુકા સગીરાનું અપહરણ કરતા હતા. ત્યાર બાદ અવાવરું સ્થળે લઈ જઈને જાતીય શોષણ કરીને માનસિક તોડીને દબાણ પૂર્વક વેચી દેતા હતા.
આવી હતી યોજનાઃ આરોપી અશોક સગીરાઓને ચેહરસિંગ વેચી દેતો હતો. જે બાદ સગીરાઓને વેચવા માટે લગ્ન વાંચ્છુક યુવકો કે પત્નીના મોત બાદ યુવતીને ખરીદી કરનાર શખ્સોને શોધીને તેને લગ્નના નામે પૈસા લઈને વેચી દેતા હતા. જેમાં મોટા ભાગની સગીરાને રાજસ્થાનમાં વેચી હોવાનું સામે આવ્યું છે. અસારવાની સગીરાને પણ અશોક અને રેણુકાએ ચાંદીની પાયલ આપવાના બહાને રિક્ષામાં અપહરણ કર્યું હતું.અશોક, તેના 2 પુત્ર અને અન્ય 3 શખ્સોએ અલગ અલગ સમયે કુકર્મ કર્યું હતું.
મોટું નેટવર્ક 2017થી સક્રિયઃ આ માનવ તસ્કરીનું નેટવર્ક 2017થી ચાલતું હોવાનું તપાસમાં ખુલ્યું છે. અશોક મોજશોખ માટે કુટણખાનામાં જતો હતો. તેને સગીરાનું અપહરણ કરીને દહેવેપારનો ધધો શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. સગીરાનું અપહરણ કરીને દેહવેપાર કરાવીને વેચી દેતા હતા. હોવાનું તપાસમાં ખુલતા પોલીસે સગીરાની શોધખોળ શરૂ કરી છે.
દંપતિ પણ સંડોવાયેલુંઃ માનવ તસ્કરીના નેટવર્કમાં ચેહરસિંગ સાથે વધુ એક દંપતીનું નામ ખુલ્યું છે. આ દંપતી પણ સગીરાનું અપહરણ કરીને ચહેરસિંગને આપતા હતા. 50 હજારથી 3 લાખમાં સગીરાના લગ્ન કરાવીને વેચી દેતા હતા. આ ઉપરાંત આ ટોળકી અન્ય યુવતીઓને ગેંગમાં સામેલ કરીને લૂંટરી દુલહનનું પણ નેટવર્ક ચાલવતી હતી. યુવતીના પરિવારના સભ્યો બનીને ખોટા દસ્તાવેજ બનાવીને પૈસા લઈને યુવકો સાથે લગ્ન કરાવતા હતા.
ચોરી કરીને ફરારઃ આ યુવતી ઘરમાંથી દાગીના અને રોકડ ચોરી કરીને ફરાર થઇ જતી હતી. આ ગેંગ સાથે અન્ય આરોપીઓના નામ ખુલતા ગ્રામ્ય પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ અંગે અમદાવાદ જિલ્લા SP અમિતકુમાર વસાવાએ ઊંડી તપાસ કરતા અનેક એવા રહસ્યો સામે આવ્યા હતા. જેને લઈને હજું આગળની તપાસ શરૂ કરાવામાં આવી હતી.
કણભામાં સગીરાના ગુમ થવાના કેસમાં અગાઉ જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, તેઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા આ કેસમાં એક બાદ એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આરોપીઓએ શાહીબાગ વિસ્તારમાંથી પણ એક સગીરાનું અપરણ કરી તેને વેચી નાખી હતી. તે સગીરાને પણ પોલીસે મુક્ત કરાવી પરિવાર સાથે મિલન કરાવ્યું છે અને આ કેસમાં હજુ પણ સગીરાઓ આરોપીઓએ વેચી હોવાથી તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.---અમિત કુમાર વસાવા (SP, અમદાવાદ ગ્રામ્ય)
હજું પણ રહસ્યોઃ આ નેટવર્કમાં બીજું કોણ કોણ અટવાયેલું છે અને ક્યાં સુધી આ નેટવર્ક ચાલી રહ્યું છે. એ અંગે પોલીસ ટીમ તૈયાર કરીને તપાસ કરી રહી છે. આ ઉપરાંત એમના સાથે જોડાયેલા બીજા કેટલાક શખ્સોની અટકાયત થતા બીજા મોટા ખુલ્લાસાઓ થઈ શકે છે. જોકે, યુવતીઓના મામલે ક્યાંથી કેટલો વ્યવહાર કેવી રીતે થતો એ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.