અમદાવાદ : શહેરમાં વિઝા માટે જરૂરી બાયોમેટ્રિકના નામે ખોટા લેટર બનાવવાનું કૌભાંડ પકડાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી 28 યુવક યુવતીઓના બનાવટી બાયોમેટ્રિક લેટર ઈસ્યુ થયાનો ખુલાસો કર્યો છે. મહત્વનું છે કે VSF ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બે કર્મચારી અને એક પૂર્વ કર્મચારીની પણ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
શુું છે સમગ્ર મામલો : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ વિદેશ જવા ઇચ્છુકોને ઓનલાઇન પ્રોફાઈલ બાદ બાયોમેટ્રિકનું બારોબાર કામ કરી આપવાનું કામ કરતા હતા. આ અંગે VSF કંપની જેને બાયોમેટ્રિક કરવાની કામગીરી સોંપવામાં આવી હતી, તેનાજ કર્મચારીઓની સંડોવણીમાં આવતા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ કર્મી મેહુલ ભરવાડ સહિત હાલમાં કંપનીમાં કામ કરતા સોહેલ દિવાન અને મેલ્વિન ક્રિષ્ટિની ધરપકડ કરતા સામે આવ્યું કે, કર્મચારીઓ વિદેશ વાંછુકોના એજન્ટ પાસેથી રૂપિયા લઈ બાયોમેટ્રિકનું કામ બાયપાસ કરી ખોટી રીતે બાયોમેટ્રિક લેટર બનાવી આપતા હતા.
28 યુવક યુવતીના ખોટા લેટર બનાવ્યા : પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું કે, પકડાયેલા આરોપીઓ પૈકી મેલ્વિન અને સોહેલ બંને વીએસએફ ગ્લોબલ કંપનીમાં કર્મચારી છે. જ્યારે મેહુલ પૂર્વ કર્મચારી અને અત્યારે એજન્ટ તરીકે લોકોને વીઝા અપાવવાનું કામ કરતો. એટલું જ નહીં ત્રણેય શખ્સો ભેગા મળી અત્યાર સુધીમાં રિજેક્ટ થયેલા 28 યુવક યુવતીઓના ખોટી રીતે બાયોમેટ્રિક લેટર બનાવી આપેલા છે.
અનેક ખુલાસા : ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલાં આરોપીઓમાંથી મેલ્વિન ક્રિસ્ટી અને સોહેલ દિવાનની પૂછપરછ કરતા સામે આવ્યું કે, બોગસ બાયોમેટ્રિક બનાવવા માટે આરોપી મેહુલ ભરવાડ તેમને એક વ્યક્તિ દીઠ 7 હજાર રુપિયા આપતો હતો. જેમાં બાયોમેટ્રિક કરવા ગયેલા યુવક-યુવતીઓને VSF ઓફિસમાં જનરલ એન્ટ્રી કર્યા વગર જ ઓફિસની પાછળથી અંદર લઈ જવાની સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપતો, એટલુ જ નહીં VSF કંપની કર્મચારીની મિલીભગત કારણે સિસ્ટમ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. કારણ કે તપાસ કરતા સામે આવ્યું કે, આ 28 યુવક યુવતીઓના કેનેડા હાઈકમિશન તરફથી કોઈ બાયોમેટ્રિક ઇન્સ્ટ્રક્શન લેટર ઇશ્યુ થયેલા નો હતા. જે અંગે VSF કંપનીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં હકીકત એ પણ સામે આવી કે, કોરોના સમયથી યુવક યુવતીઓએ વિઝાની પ્રોસેસમાં ફાઇલ મૂકી હતી. જે ફાઇલ રીજેક્ટ થતા બોગ્સ બાયોમેટ્રિક કરાવ્યું.
આ અંગે ગુનામાં સામેલ ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓ દ્વારા જે 28 લોકોને બાયોમેટ્રિક કરી આપવામાં આવ્યા હતા. તેમાંથી 22 લોકોને વિઝા રિજેક્ટ થયા છે, જોકે આ ગુનામાં સામેલ હજુ પણ આરોપીઓ પકડવાના બાકી હોય તેઓની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. - ચૈતન્ય મંડલિક (DCP, ક્રાઈમ બ્રાંચ)
વધુ તપાસમાં થઈ શકે છે નવા ખુલાસા : ક્રાઈમ બ્રાન્ચે પ્રાથમિક પૂછપરછ કરતા અન્ય એજન્ટો તરીકે નવ્યા કોર્પોરેશનના સંચાલક અને હરીશ પટેલની સંડોવણી સામે આવી છે. જેને લઈ ક્રાઈમ બ્રાન્ચ તેમની પણ ધરપકડ કરશે અને આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલ છે તે અંગે તપાસ કરશે.