અમદાવાદ : જિલ્લાના કણભામાં આવેલા ઝાણુ ગામની સીમમાં બે મહિલાઓની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતાં અમદાવાદ ગ્રામ્યના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલીક દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં બંને મહિલાઓ ભૂવાલડી ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. બંને મહિલાઓ લાકડા કાપવા માટે ભૂવાલડીથી નિકળી હતી, પરંતુ ખુબ જ મોડું થયા બાદ પણ પરત ઘરે ન આવતા તપાસ કરવામાં આવી હતી. જેમાં બંને મહિલાઓની હત્યા કરેલા મૃતદેહ મળી આવ્યા હતા. તેમના શરીર પર તિક્ષ્ણ હથિયારના અનેક ઘા મારેલા હોવાનું ખુલ્યું છે.
દરરોજ લાકડા કાપવા જતી બહેનો : નિકોલ અને કણભા પોલીસની સરહદમાં લાગતા ભુવાલડી ગામમાં રહેતા ગીતા ઠાકોર અને મંગી ઠાકોર તેમના નિત્યક્રમ મુજબ રોજ લાકડા કાપવા માટે જાય છે. શુક્રવારે પણ તેઓ લાકડા કાપવા માટે ભુવાલડી ગામથી નિકળ્યા હતા. આમ, રોજ તેઓ બપોર સુધીમાં લાકડા કાપીને પરત આવી જતા હોય છે. પરંતુ શુક્રવારે તેઓ લાકડા કાપવા માટે નિકળ્યા બાદ નિયત સમય થયો હોવા છતાં પરત ઘરે આવી ન હોવાથી પરિવારજનોને તેમની ચિંતા થવા લાગી હતી.
આ પણ વાંચો : Surat Crime : એક ટકના ભોજન માટે પતિએ પત્નીને મારમારી મોતને ઘાટ ઉતારી
પરિવારજનોની શોધખોળ : પરિવારજનોએ તેમને ફોન કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હોય પરિવારજનો વધુ ચિંતામાં મુકાયા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો તેમને શોધવા માટે નિકળ્યા હતા. શોધતા શોધતા તેઓ કણભા વિસ્તાર નજીક આવેલા ઝાણુ ગામની સીમમાં પહોંચતા બંને મહિલાઓનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા. તપાસ કરતા મહિલાઓના શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. પોલીસે આ ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Patan murder case: સાત વર્ષની સજા બાદ બહાર આવ્યો પ્રેમી, બાપ દીકરાએ કાયમી માટે સુવડાવી દીધો
પોલીસનું નિવેદન : આ મામલે અમદાવાદ ગ્રામ્ય Dysp ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે હાલ અલગ અલગ ટીમો કામે લગાડીને આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી છે. આરોપીના પકડાયા બાદ હત્યાના સાચા કારણો સામે આવશે.