અમદાવાદ: અમદાવાદ જિલ્લાના કણભાની સીમ વિસ્તારમાં આવેલા ધામતવણમાં 4 માર્ચના રોજ લાલાજી ઠાકોર નામના 25 વર્ષીય યુવકનો તેના જ ખેતરમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ થતાં તપાસ હાથ ધરી હતી, જેમાં લાલાજી ઠાકોરની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે ગુનાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે.
માથાના ભાગે લાકડાનો ડંડો મારી હત્યા: સ્થાનિક પોલીસ ઉપરાંત LCB અને SOG સહિતની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા સામે આવ્યું કે લાલાજી ઠાકોરની હત્યા તેના જ ભાગીયા દ્વારા કરવામાં આવી હતી. સામાન્ય બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જે બાદ તેના ભાગિયા રૂમાલ ચુનારાએ જ માથાના ભાગે લાકડાનો ડંડો મારી હત્યા નિપજાવી હતી.
હત્યાનો ભેદ ઉકેલાયો: આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે મૃતક લાલાજી ઠાકોરના ખેતરમાં રૂમાલ ચુનારા ભાગીયા તરીકે કામ કરે છે. રાતના સમયે ખેતરમાં રોજડા ધૂસી જતાં હોવાથી તેને ભગાડવા રૂમાલ ચુનારાએ લાલજીને ફોન કરી બોલાવ્યા હતા. જે મામલે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મારામારી થતાં રૂમાલ ચુનારાએ ખેતરમાં પડેલા લાકડાનો ડંડો લાલજીને માથામાં મારી હત્યા નીપજાવી હતી.
પોલીસે ગુનાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી: મૃતદેહ મળ્યા બાદ હત્યારા સુધી પહોંચવા પોલીસને કોઈ સુરાગ કે યોગ્ય કડી મળતી ન હતી. જો કે મૃતક લાલાજીએ કરેલા છેલ્લા ફોનનાં આધારે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો અને પોલીસે હત્યારા આરોપી રૂમાલ ચુનારાની ધરપકડ કરી હતી.આ અંગે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી ભાસ્કર વ્યાસે જણાવ્યું હતું કે હાલ આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપીએ હત્યા કરી હોવાનું સામે આવતા હાલ પોલીસે તેના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો Ahmedabad Crime : ક્રિકેટ નિહાળવા જતા લોકોને આતંકીઓએ આપી ધમકી, પોલીસે તપાસનો કર્યો ધમધમાટ