અમદાવાદ: શહેર ક્રાઈમ બ્રાન્ચે એક ફરિયાદ અનુસંધાને અમદાવાદ ખાતે રહેતા અમિત સિંઘ નામના આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ફરિયાદીના ચાલતા કૌટુંબીક કેસોમાં પતાવટ કરી આપશે, તેવું જણાવીને અમિત સિંઘ નામના શખ્સે ટુકડે ટુકડે કરી અંદાજે ત્રણ લાખ જેટલી રકમ મેળવી હતી અને ત્યારબાદ કેસમાં કોઈ કાર્યવાહી ન કરાવી હતી અને ફરીવાર પૈસાની માંગણી કરી હતી. ફરિયાદીએ પૈસા ન આપતા તેના ઘરે બાઉન્સર સાથે ઘૂસીને તેની પાસેથી સાડા ચાર કરોડ રૂપિયાની માંગ કરી હતી.
જાનથી મારી નાખવાની ધમકી: ફરિયાદી અમિતસિંઘને માંગ્યા મુજબ પૈસા ન આપે તો ફરિયાદીને અને ફરિયાદીના પરિવારના સભ્યોને ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદીને અવારનવાર પોતાના ફોનથી અને અન્ય માધ્યમોથી ધમકીઓ આપી હતી. આરોપી કોઈપણ રીતે ફરિયાદીની એક્ટિવિટીની ખબર રાખતો હોય આ મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી.
આરોપીની ધરપકડ: સાયબર ક્રાઇમે અમિતકુમાર વિજયકુમાર સિંઘ નામના થલતેજના આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી અમદાવાદ ખાતે એમિગો એથિકલ હેકિંગ એન્ડ સાઈબર સિક્યુરિટી નામની કંપની ચલાવે છે, જેની પાસેથી મળેલ કોમ્પ્યુટરમાં અનેક શંકાસ્પદ માહિતીઓ મળી આવી હતી. જે બાબતે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે પકડાયેલો આરોપી આ પ્રકારે અલગ અલગ કંપનીઓને અને વ્યક્તિઓને સંપર્ક કરી અલગ અલગ બહારના હેઠળ તેઓની પાસેથી પૈસા પડાવતો હોવાનું પણ સામે આવ્યું છે.
અનેક લોકો સાથે ગેરરીતિ: આ અંગે સાયબર ક્રાઈમના ACP જીતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે આરોપીએ આ રીતે અનેક લોકો સાથે ગેરરીતિ આચરી છે. હાલમાં આરોપીની વધુ વિગતો એકત્ર કરી તેણે જે લોકો પાસે આ રીતે પૈસા પડાવ્યા છે એટલે આ મામલે વધુ ગુનાઓ નોંધાઈ શકે છે. આરોપીએ અમુક કંપનીઓનો સંપર્ક કરી તેની કોમ્પિટિટર કંપનીઓનો ડેટા શેર કરવાના નામે પણ પૈસા પડાવ્યા છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે.