અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં સામાન્ય બાબતમાં યુવકો વચ્ચે ઝઘડો કર્યો હતો. જે બાબતે એક યુવકને પટ્ટા વડે તેમજ ગડદા પાટુનો માર મારી જીવલેણ હુમલો કરવામાં આવતા 19 વર્ષીય યુવકનું મોત થયુ છે. આ સમગ્ર મામલે પોલીસે હત્યા અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
19 વર્ષીય મોહમ્મદ કેફ નામના યુવકની હત્યા : અમદાવાદના વિશાલા ચાર રસ્તા પાસે આવેલા રાજ્યશ રાઈઝ બિલ્ડીંગમાં ગેમિંગ ઝોનમાં થયેલી બોલાચાલી બાબતે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં દાણીલીમડા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય મોહમ્મદ કેફ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. 24મી એપ્રિલે મહમદ અનસ શેખ તેમજ તેનો ભાઈ મોહમ્મદ કેફ, મોહમ્મદ આદિલ, મોહમદ સફવાન, મોહમદ તોફીક અને રોહાન હુસેન તમામ ભેગા મળીને બરફની ફેક્ટરી સામે આવેલ રાજ્યશ બિલ્ડિંગમાં ફિલ્મ જોવા માટે ગયા હતા.
આ પણ વાંચો Vadodara Crime : ચોરીનો બનાવ અટકાવવા વિધર્મીએ સિક્યુરિટીને હથિયારના ઘા ઝીંકી કરી હત્યા
ગેમિંગ ઝોનમાં બોલાચાલી : સાંજે 6 વાગે ફિલ્મ પૂરી થતાં તેઓ બિલ્ડીંગના પહેલા માળ ઉપર આવેલ ગેમ ઝોનમાં ગયા હતા અને અલગ અલગ ગેમ રમતા હતા. તે સમયે મોહમ્મદ કેફ પુલ ટેબલ રમતો હતો ત્યારે સ્ટીક વડે ગેમબોલ મારતા પાછળ ઉભેલા એક છોકરાને સ્ટીક અડી ગઈ હતી. જેથી તે સાહિલ પઠાણ નામના જુહાપુરાના યુવકે ગુસ્સે થઈ મોહમ્મદ કેફ સાથે બોલાચાલી કરી હતી અને જે બાદ તમામ લોકોએ બંનેને સમજાવ્યા હતા. જે બાદ તે યુવક ત્યાંથી જતો રહ્યો હતો અને અન્ય યુવકો પણ નીચે ઉતરી ગયા હતા.
બોલાચાલી કરનાર યુવક ફરી ઝધડવા આવ્યો : જે બાદ મોહમ્મદ કેફ તેમજ રોહાન હુસેન બાઈક લઈને પેટ્રોલ પુરાવવા માટે ગયા હતા અને અન્ય મિત્રો રાજ્યશ રાઇઝ બિલ્ડીંગના નીચે ઉભા હતા, ત્યારે ગેમ ઝોનમાં જે યુવક સાથે બોલાચાલી થઈ હતી તે સાહિલ તેની સાથે બીજા પાંચ છોકરાઓને લઈને આવ્યો હતો અને ગેમ ઝોનમાં થયેલી બોલાચાલી મામલે ઝઘડો કર્યો હતો. જે બાબતે આસપાસના લોકોએ ભેગા મળીને સમાધાનનો પ્રયાસ પણ કર્યો હતો, જોકે સાહિલ અને તેની સાથેના મિત્રો તલ્હા, રિયાન તેમજ આકીબે ઝઘડો વધારતા યુવકોએ માફી પણ માંગી હતી.
આ પણ વાંચો Bhavnagar Crime : ગઇકાલથી ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો, પિતાએ મિત્ર સામે શંકાની સોય તાણી
યુવાનને માર મારી છાતીમાં છરી હુલાવી : તે સમયે સમયે મોહમ્મદ કેફ બાઈક લઈને પાર્કિંગમાં આવ્યો હતો, ત્યારે તમામ લોકોએ એકઠા થઈને તેની સાથે બોલાચાલી ઝઘડો કરી ગડદા પાટુનો માર માર્યો હતો. તલ્હા તેમજ આકીબ નામના યુવકે પોતાનો બેલ્ટ કાઢીને મોહમ્મદ કેફને માર માર્યો હતો અને રિયાન નામના યુવકે પોતાના ખિસ્સામાંથી છરી કાઢી મોહમ્મદ કેફને છાતીના ભાગે મારી હતી. જેને છોડાવવા જતા રિયાને રોહાન હુસેનને છરી મારી હતી. જોકે મોહમદ કેફ નીચે પડી જતા આસપાસના લોકો એકઠા થતા તમામ આરોપીઓ એકટીવા પર બેસીને ભાગી ગયા હતા.
તબીબે મૃત જાહેર કર્યો : અંતે આ સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવકને આમેનાખાતુન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કરતા આ સમગ્ર મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં હત્યા અને મારામારીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મૃતક ભાજપનો કાર્યકર : આ ઘટનામાં મોતને ભેટનાર મોહમદ કેફ રાજકીય પક્ષ ભાજપનો કાર્યકર હોવાની પણ બાબત સામે આવી છે અને તેના પરિવારના એક સભ્ય લઘુમતી મોરચામાં સક્રિય હોવાનું ખુલ્યું છે. આ અંગે વાસણા પોલીસ સ્ટેશનના PI એમ.સી ચૌધરીએ જણાવ્યું હતું કે આ ઘટના અંગે રાયોટિંગ મર્ડરનો ગુનો દાખલ કરીને ગુનામાં સામેલ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે અને સીસીટીવીના આધારે અન્ય આરોપીઓને પકડવા માટે ટીમો કામે લગાડવામાં આવી છે.