અમદાવાદ : અમદાવાદ શહેરના શહેરકોટડા વિસ્તારમાં એક વૃદ્ધાની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં બાળકોના થયેલા ઝઘડા બાબતે વૃદ્ધા સાથે બોલાચાલી કરીને બે વ્યક્તિએ ભેગા મળી વૃદ્ધને છાતીના ભાગે માર મારતા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર બાબતને લઈને શહેર કોટડા પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓને જલ્દી જ ઝડપી લેવામાં આવશે...એમ.ડી ચંદ્રાવાડિયા (શહેર કોટડા પોલીસ મથકના PI )
શું બન્યું હતું : અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી મંગળ પ્રભાત સોસાયટીમાં સમગ્ર ઘટના બની હતી, જેમાં 16 જૂન 2023 ના રોજ રાત્રે 8 વાગ્યાના અરસામાં ફરિયાદી ક્રિષ્નાબેન પટણી શાકમાર્કેટ ખાતે હોય તે દરમિયાન રાતના સવા આઠ વાગે તેઓની ભાણીએ ફોન કરી જણાવ્યું હતું કે આગળવાળા કૃણાલ દંતાણી અને તેના ભાભી અંજલી દંતાણી જોડે તેઓના માતા સવિતાબેનનો ઝઘડો થયો છે, જેથી તેઓ તરત ઘરે ગયા હતા અને જોતા કૃણાલ દંતાણી અને તેની ભાભી અંજલિ દંતાણીએ ફરિયાદીની માતાને ધક્કા મારતા તેઓને માતા જમીન ઉપર ઢળી પડ્યા હતા. ત્યારે ફરિયાદી માતાને છોડાવવા જતાં તેને પણ આરોપીઓએ ધક્કો માર્યો હતો અને જે બાદ ફરિયાદીની માતા સવિતાબેન પટણી જમીન ઉપર પડી જતા 108 ને ફોન કર્યો હતો. જે બાદ 108 આવી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.
છાતીના ભાગે માર માર્યો : આ સમગ્ર મામલે ફરિયાદીએ તેઓની ભાણીને પૂછતા તેણે જણાવ્યું હતું કે રાતના 8 વાગે આસપાસ તે તેમજ રિશી ઘરની બહાર રમતા હતા, તે દરમિયાન રિશીને સોસાયટીમાં રહેતા છોકરા સાથે ઝઘડો થયો હતો. જેથી તેની માતા અંજલિ તથા તેની સાથે કૃણાલ દંતાણી બંને ઘર પાસે આવ્યા હતા. ફરિયાદીની ભાણી પાડોશીના ઘર આગળ રાખેલ મોટરસાયકલ ઉપર બેઠી હતી, તે દરમિયાન અંજલિએ તેને ધક્કો મારી નીચે પાડી દીધી હતી અને કૃણાલે લાતો મારી હતી. જેથી આ બાબતે સવિતાબેને તેઓને કહેવા જતા તેઓએ ઝઘડો કરીને કૃણાલે સવિતાબેનનો હાથ પકડી રાખ્યો હતો અને અંજલિ દંતાણીએ તેઓના છાતીના ભાગે માર માર્યો હતો.
મારામારીની ફરિયાદ દાખલ : આ ઘટના બાદ વૃદ્ધા સવિતાબેન પટણીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જોકે ત્યાં ફરજ પરના તબીબોએ તેઓને મૃત જાહેર કરતા આ અંગે પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી. જેથી પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શહેરકોટડા પોલીસ મથકે કૃણાલ તેમજ અંજલિ સામે હત્યા અને મારામારીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શહેર કોરડા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.