અમદાવાદ : પંજાબ પોલીસ દ્વારા યુપી અને ગુજરાતમાંથી ગેરકાયદે ચાલતી આંતર-રાજ્ય ફાર્મા ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ; 15.8 લીટર ફાર્મા ઓપિયોઇડ્સ સાથે પકડાયેલા બાર કેદીઓમાંથી બે જેલના કેદીઓ અને ફાર્મા કંપની ચલાવતા પતિ પત્ની ગુજરાતમાંથી પકડાયા છે.
આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ : પંજાબ પોલીસે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે નશાકારક ટેબલેટ સપ્લાય કરતી ફાર્મા ફેક્ટરીઓમાંથી ચાલતા ગેરકાયદેસર ઓપિયોઇડ ઉત્પાદન અને પુરવઠાના એકમોના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમૃતસરની પોલીસ ટીમે ગુજરાત ATS સાથેના સંયુક્ત ઓપરેશનમાં અમદાવાદના ચાચરવાડી વાસણા સ્થિત ગ્લોસ ફાર્માસ્યુટિકલ પર દરોડો પાડ્યો હતો અને 14,72,220 નશાની ગોળીઓ/કેપ્સ્યુલ્સ કબ્જે કર્યા હતા. સાથે જ ઉત્પાદક સંચાલક પતિપત્નીની ધરપકડ કરવામાં આવી.
ગુજરાત કનેક્શન સામે આવ્યું : પંજાબમાં દોઢેક મહિના અગાઉ એનડીપીએસ ગુનાના કામે અમૃતસર સિટી પોલીસમાં નોંધાયેલ ફરિયાદ બાબતે આરોપી પ્રિન્સ કુમાર નામના સ્થાનિક ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી. આ કેસમાં છેલ્લા એક મહિનાની લાંબી તપાસ કરતા અમૃતસર પોલીસને મહત્વની હકીકતો મળતા ગુજરાત કનેક્શન સામે આવ્યું હતું.
અમૃતસર લઈ જવાયાં : ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી આ ડ્રગ કાર્ટેલ ચાલતી હોવાનું ખુલાસો થતા પોલીસે ગુજરાત એટીએસની ટીમને સાથે રાખી ચાચરવાડી વાસણા ખાતે આવેલ ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં રેડ કરી ટ્રામાડોલ ગોળીઓ પકડી પાડી કંપનીના સંચાલક મનીષ વશિષ્ઠ અને પત્ની રેખા વશિષ્ઠની ધરપકડ કરી અમૃતસર લઈ જવામાં આવ્યા હતાં.
જેલમાં બેઠાં કાળો કારોબાર : બીજી તરફ અગાઉ પકડાયેલા આરોપીઓ પૈકી પ્રિન્સકુમાર જેલમાં બંધ હોવા છતાં તે મેજર સિંહના નિર્દેશ પર નશાની ગોળીઓ સપ્લાય કરી રહ્યો હતો. જેણે ગોઇંદવાલ સાહિબ જેલમાંથી મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને તેનો સંપર્ક કર્યો હતો. પંજાબ પોલીસે જેલની અંદરથી મેજર સિંહના કબજામાંથી મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે.
12 આરોપીઓની ધરપકડ : મેજર સિંહને પ્રોડક્શન વોરંટ પર અમૃતસર લાવી પૂછપરછ કરતા ખુલાસા થયા હતાં. એટલું જ નહીં આ એનડીપીએસના કેસમાં અત્યાર સુધીમાં 12 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે જેમાં બલજિન્દર સિંહ, આકાશ સિંહ, સુરજીત સિંહ, ગુરપ્રીત સિંહ, તમામ પટ્ટીના રહેવાસી, તરનતારન, હરિકેના મોહર સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી.