અમદાવાદ : અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુરમાં ઓફિસમાંથી ચાલતું જુગારધામ પકડાયું છે. પીસીબીએ દરોડા પાડીને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પીસીબીની ટીમે દરોડા પાડતા ઓફિસમાંથી 19 જુગારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે જેમાં અનેક જાણીતા લોકો હોવાનું પણ ખુલ્યું છે.
વૈભવી જુગારધામ : અમદાવાદના પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ લીધા બાદથી સતત પોલીસ કમિશનર દ્વારા દારૂ જુગારની પ્રવૃતિને ડામવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે. પીસીબીની ટીમને મળેલી બાતમીના આધારે વૈભવી જુગારધામ ઝડપી પાડવામા આવ્યું છે. પીસીબીના પીઆઈ એમ.સી ચૌધરીને બાતમી મળી હતી કે વસ્ત્રાપુર થલતેજ ચાર રસ્તાની બાજુમા આવેલા ન્યૂ યોર્ક ટાવર એમાં નવમાં માળે આવેલી 92 નંબરની ઓફિસમાં જુગારધામ ચાલે છે. જેથી પોલીસે બાતમીના આધારે ત્યાં દરોડા પાડતા વૈભવી જુગારધામ ઝડપી પાડ્યું છે.
19 જુગારીઓની ધરપકડ : આ કેસમાં પોલીસે મહેસાણાના ઉંઝાના ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ઉંઝા રાયચંદ પટેલ સહિત 19 જુગારીઓની ધરપકડ કરી છે. જેમાં અન્ય આરોપીઓમાં મયૂર ઠક્કર, કાળુજી ડાભી, જયેન્દ્રસિંહ ઉર્ફે મુકેશ સિસોદિયા, મનીષ પટેલ, ડેવીસ પટેલ, ઘેલુભા ઉર્ફે મુકેશસિંહ ઝાલા, અમીરામ જોષી, ધર્મેન્દ્ર પટેલ, રાજેશ પટેલ, ખેંગાર સોલંકી, દીપક ઠક્કર, ધર્મેશ પટેલ, ભૂપત ચૌહાણ, તેજા તુરી, સજ્જનસિંગ રાજપૂત, મોહન કલાલ, દેવીલાલ પ્રજાપતિ અને ગંગારામ પટેલની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ મોટાભાગે અમદાવાદ, સાણંદ અને મહેસાણા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે.
કુલ 46.35 લાખનો મુદ્દામાલ કબજે : આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રકમ 6.70 લાખ, 6.25 લાખની કિંમતના 21 મોબાઈલ ફોન, પૈસા ગણવાનુ મશીન, સીસીટીવી કેમેરાના ડીવીઆર, જુગાર રમવા માટે આવેલા આરોપીઓની 33 લાખની કિંમતની 4 કાર સહિત કુલ 46.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સાણંદ એપીએમસી ચેરમેન પકડાયાં : આ કેસમાં ઝડપાયેલો આરોપી ખેંગાર સોલંકી સાણંદ એપીએમસીના ચેરમેન હોવાનું સામે આવ્યું છે. તેમજ મુખ્ય આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ઉંજા જાણીતો બુકી છામ આરોપીઓ દ્વારા જુગાર રમવા માટે આવનારા તમામ લોકો માટે મસાજ સહિતની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેથી આ મામલે પીસીબીએ પકડાયેલા આરોપીઓ અને મુદ્દામાલને વસ્ત્રાપુર પોલીસને હવાલે કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.