અમદાવાદ : બાપુનગર વિસ્તારમાં તલવારો સાથે ખુલ્લેઆમ ફરીને વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરનારા અસામાજિક તત્વોને પોલીસે ઝડપીને કાયદાનો પાઠ શીખવાડ્યો છે. ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓએ એક ગાડીને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ હાલમાં જ બે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
વાયરલ વીડિયો : અમદાવાદનાં બાપુનગરમાં થોડા દિવસો પહેલા અમુક વીડિયો વાયરલ થયા હતા. જેમાં એક વીડિયોમાં અમુક શખ્સો હાથમાં તલવાર લઈને સરેઆમ કાયદાને હાથમાં લેતા નજરે પડ્યા હતા. જ્યારે અન્ય એક વીડિયોમાં તે જ આરોપીઓ એક હોટલમાં જઈને પોલીસકર્મી સાથે માથાકૂટ કરતા નજરે પડ્યા હતા. જ્યારે અન્ય એક ઘટનામાં એક થાર ગાડીને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ત્રણેય ઘટનાઓ પાછળ બાપુનગરના કુખ્યાત ગુનેગારો સામેલ હોય બાપુનગર પોલીસે તેઓને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલ્યા છે.
આ મામલે બે ગુના નોંધાયા હતા. મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ગુનામાં સામેલ કુલદીપ ભદોરિયા સહિતના અન્ય આરોપીઓ વોન્ટેડ હોય તેઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે.-- એસ.એન પટેલ (PI, બાપુનગર પોલીસ સ્ટેશન)
આરોપીઓનો ઈતિહાસ : આ ઘટનાઓમાં સામેલ રણજીત રાવલ, કુલદિપ ભદોરિયા તેમજ કરણ ઉર્ફે છોટુ, કુલદીપ યાદવ નામના આરોપીઓ સહિત અન્ય લોકો સામેલ હતા. આ ઘટનાઓ બાબતે બે અલગ અલગ ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસે રણજીત રાવલ અને કુલદિપ યાદવ નામનાં બે રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે.
પોલીસ કાર્યવાહી : પકડાયેલા આરોપીઓની તપાસ કરતા રણજીત સામે અગાઉ મારામારી તેમજ પ્રોહિબીશનના 15 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કુલદીપ યાદવ સામે મારામારી અને પ્રોહિબીશનના 7 ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું છે. પકડાયેલા આરોપીઓ સાથે આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓની પણ શોધખોળ પોલીસે શરૂ કરી છે.