અમદાવાદ : શહેરમાં સતત ત્રીજા દિવસે હત્યાની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાની કામગીરીને લઈને પ્રશ્નો ઉભા થયા છે. હાલમાં જ કાગડાપીઠ અને માધવપુરા વિસ્તારમાં હત્યાની ઘટનાઓ સામે આવી હતી. તેવામાં હવે પૂર્વ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આધેડની હત્યા કરાયેલી લાશ ઘરમાં જ મળી આવી છે. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મૃતક મહેશ શાહ : અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા નિલેશ ઠક્કરે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેઓ બાવળા ખાતે આવેલી ખાનગી ફાર્મા કંપનીમાં ગાડી ચલાવી ટ્રાન્સપોર્ટેશનનું કામ કરે છે. તેઓના સસરા ત્રંબકલાલ શાહ તેમજ સાસુ રમિલાબેન મૃત્યુ પામ્યા છે. તેમનો 55 વર્ષીય સાળા મહેશ શાહ કૃષ્ણનગરમાં શ્રીજી પાર્ક સોસાયટીમાં રહે છે. 7 વર્ષ પહેલા મહેશ શાહના લગ્ન કર્ણાટકના રત્નાબેન સાથે થયા હતા. બે ત્રણ મહિના રહ્યા બાદ તેમની પત્ની પરત જતી રહી હતી. ત્યારબાદથી મહેશ શાહ એકલા જ રહે છે. તેઓ નરોડા જીઆઈડીસીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા હતા.
આ અંગે ગુનો દાખલ કરી આરોપીને પકડવા માટે ટીમ કામે લગાડવામાં આવી છે. ઘરમાંથી કોઈ લૂંટ કે ચોરી થઈ નથી. એટલે અંગત અદાવતમાં આ હત્યાને અંજામ અપાયો હોવાની આશંકા છે. હાલ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીને ઝડપી પાડવા ટીમ કામે લગાડી છે. -- ડો. કાનન દેસાઈ (DCP, ઝોન-4 અમદાવાદ)
મૃત હાલતમાં મળ્યા : બનાવની મળતી વિગત મુજબ 1 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે ફરિયાદી પત્ની સાથે સાળીના ઘરે પાલડી ગયા હતા. ત્યાંથી તેઓ માણેકચોક જમવા નીકળતા હતા. ત્યારે તેઓની સાળી નયનાબેનનો ફોન આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, સાંજના પાંચ વાગ્યાથી મહેશ શાહને ફોન કરતા તેનો ફોન બંધ આવે છે. તમે તેમના ઘરે જઈને તપાસ કરો. જેથી નિલેષભાઈ કૃષ્ણનગરમાં સાળા મહેશ શાહના ઘરે પહોંચ્યા હતા.
પોલીસ તપાસ : ફરિયાદીએ ત્યાં પહોંચી જોતા ઘરમાં તાળું મારેલું હતું. પાડોશમાં રહેતા વ્યક્તિ પાસેથી તાળાની ચાવી માંગતા તેઓને જાણવા મળ્યું હતું કે, આ તાળુ બીજુ છે. જેથી તેઓએ ઘરમાં અંદરની બાજુના લાકડાના દરવાજાને ધક્કો મારતા તે ખુલ્લો હતો. અંદર જોતા તેઓના સાળા મહેશ શાહ અંદરના રૂમમાં બેડ પર જોવા મળ્યા હતા. ઘરની લાઈટો બંધ હોવાથી મોબાઈલની ફ્લેશ લાઈટથી જોતા ઘરમાં લોહી જોવા મળ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
હત્યાનો ગુનો : પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા મહેશ શાહ બેડ પર મૃત હાલતમાં જોવા મળ્યા હતા. તેઓને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગ પર ઈજા થઈ હતી. જેથી કૃષ્ણનગર પોલીસે તાત્કાલિક મૃતદેહને પીએમ માટે રવાના કરી આ અંગે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.