અમદાવાદ : વર્ષ 2004 માં અમદાવાદના નારોલ વિસ્તારમાં હત્યાનો આરોપી આખરે અમદાવાદ ક્રાઈમબ્રાંચના હાથે ઝડપાયો છે. હત્યાનો આરોપી અમદાવાદમાં હત્યા કર્યા બાદ 20 વર્ષથી ફરાર હતો. અમદાવાદ ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે રાજસ્થાનમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે.
વર્ષ 2004 હત્યાની ઘટના : આ અંગે પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર હત્યાનો આરોપી વેનારામ ઉર્ફે વિનોદ મારવાડી વર્ષ 2004 માં ઈસનપુર વિસ્તારમાં ભાડાના વિસ્તારમાં રહેતો હતો. ત્યાં વેનારામ એક ભાગીદાર સાથે મળીને નારોલ વિસ્તારમાં એક ઘાટ ભાડે રાખી ત્યાં કપડાં ધોવાનું કામ કરતો હતો.
નારોલમાં બન્યો ગુનો : વર્ષ 2004 ના 26 એપ્રિલના રોજ આરોપી ઘાટ પર કપડા ધોઈ રહ્યો હતો. ત્યારે ખન્ના મારવાડી નામના વ્યક્તિએ આરોપીનો મોબાઈલ અને રુ. 2000 લઈ લીધા હતા. જ્યારે વેનારામે શખ્સ પાસે મોબાઈલ અને રુપિયા પાછા માગ્યા તો તેણે આપવાની ના પાડતા બંને વચ્ચે મારામારી થઈ હતી. વેનારામે તે શખ્સને પકડી મુક્કા અને લાતથી માર મારી જીવલેણ ઇજા પહોંચાડી હતી.
20 વર્ષથી આરોપી ફરાર : ખન્ના મારવાડી ત્યાં ઢળી પડતા વેનારામે તેને ખેંચીને ઘાટના કમ્પાઉન્ડની બહાર સુવાડી દીધો હતો. જોકે બીજા દિવસે સવારે તે વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ અંગે વેનારામને જાણ થતાં પોલીસ કાર્યવાહીના ડરથી ફરાર થઈ ગયો હતો. તે દિવસથી આજ દિન સુધી પોલીસને આરોપીની કોઈ ભાળ મળી નહોતી.
રાજસ્થાનથી ઝડપાયો હત્યારો : અમદાવાદ શહેર ક્રાઈમબ્રાંચના અધિક પોલીસ કમિશનરની નાસતા ફરતા આરોપીઓને પકડવાની સૂચનાના આધારે PI પી. કે. ગોહિલની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસને 20 વર્ષથી નાસતા ફરતા હત્યાના આરોપી 54 વર્ષીય વેનારામ ઉર્ફે વિનોદ મેઘવાલની બાતમી મળી હતી. જેની અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા રાજસ્થાનના પાલી ખાતેથી ઝડપી પાડી CRPC કલમ 41(1)(I) મુજબ અટકાયત કરવામાં આવી હતી.