અમદાવાદ : ગાંધીનગર સેક્ટર 21 મથકે આ અંગે અગાઉ નોંધાયેલી ફરિયાદને અમદાવાદના ચાંદખેડા પોલીસને ટ્રાન્સફર કરવામા આવી છે. ભોગ બનનાર મહિલા સાથે ચાંદખેડાના બંગલામાં મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. ચાંદખેડા પોલીસ મથકે ગુનો નોંધાતા આ મામલે તપાસ શહેર પોલીસ કમિશનરે મહિલા પોલીસને સોંપી છે. આ ગુનામાં સામેલ ઈસ્માઈલની અગાઉ ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. જોકે પોલીસ અધિકારીના નામે દુષ્કર્મ ગુજારનારની તપાસ શરૂ કરવામાં આવી છે.
રૂપિયા પડાવવાનું ષડયંત્ર : ઉચ્ચ પોલીસ અધિકારી વિરુદ્ધ ખોટા કેસમાં આરોપી બનાવવા માટે ખોટા પુરાવા ઉભા કરાવી રૂપિયા પડાવવાનું ષડયંત્ર રચનાર ટોળકી સામે ગાંધીનગરમાં ગુનો નોંધાતા ગુજરાત એટીએસએ ગુનામાં સામેલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. ગુજરાતના નિવૃત્ત IPS પોલીસ અધિકારીને ખોટી રીતે ફસાવવા અને બ્લેકમેલ કરવા માટે બે વખત દુષ્કર્મ થયા હોવાના આક્ષેપોવાળું એફિડેવિટ કરવામાં આવ્યું હતું અને તે એફિડેવિટ વાયરલ થતા સમગ્ર મામલે ગુજરાત એટીએસ ટીમને ડીજીપી દ્વારા તપાસ આપવામાં આવી હતી.
પેથાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ : ગુજરાત એટીએસે આ મામલે એફિડેવિટ કરનાર મહિલાનું નિવેદન લેતા આ સમગ્ર મામલે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મહિલાએ ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની તેમજ ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમની કલમ 3 અને 4 મુજબનું ગુનો નોંધાવ્યો હતો. જે ફરિયાદ કરતા પહેલા મહિલા જી.કે પ્રજાપતિ ઉર્ફે જી.કે દાદા નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી અને તેણે મહિલાનો સંપર્ક ઈસ્માઈલ મલેક સાથે કરાવ્યો હતો.
બંગલામાં દુષ્કર્મ ગુજારાયું : ઈસ્માઈલ મલેકે મહિલાને એક દિવસ ચાંદખેડા પાસે સંગાથ બંગલોઝના બંગલા નંબર 13/14 માં લઈ જઈ બંગલામાં હાજર એક વ્યક્તિને મહિલા સાથે પરિચય કરાવ્યો હતો. ત્યાં હાજર વ્યક્તિ ગુજરાતના સિનિયર પોલીસ ઓફિસર છે અને તે બંગલો તેમનો જ છે તેવું કહીને મહિલાના ભાઈને કેસમાંથી છોડાવવા માટે તે તેની મદદ કરશે તેવું જણાવ્યું હતું અને તે સમયે બંગલામાં હાજર વ્યક્તિએ મહિલા પર બે વખત બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ જી.કે પ્રજાપતિએ મહિલાને ફરિયાદમાં પોલીસ અધિકારીનું નામ કે કોઈ વિગત લખાવવાની ના પાડતા તે બાબતે પાછળથી વિચારવાનું જણાવ્યું હતું.
8 કરોડ રૂપિયાનો તોડ : થોડા સમય બાદ જી.કે પ્રજાપતિએ મહિલાને સુરતના હરેશ જાદવ નામના વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો. તેની હાજરીમાં જ અમદાવાદના સૌથી મોટા પોલીસ અધિકારીને 8 કરોડ રૂપિયાનો તોડ કરવાની વાતચીત કરી હતી અને મહિલાને મદદ કરવાના બદલામાં તે કહે તેમ કરવું પડશે તેવું જણાવ્યું હતું. જેથી મહિલા તેઓના દબાણમાં આવી ગઈ હતી. જી.કે પ્રજાપતિએ પોતાના પત્રકાર મિત્રોને આ મહિલામાં લવ જેહાદના કેસમાં કોઈ મોટા પોલીસ અધિકારીનું નામ બળાત્કારમાં આવવાનું હોવાથી તે અધિકારીને દબાણ હેઠળ લાવી તેની પાસેથી મોટી રકમ પડાવાની વાત કરી મહિલાના નામની એફિડેવિટ કરાવ્યું હતું.
મહિલાની જાણ બહાર કર્યું આ કામ : એફિડેવિટમાં પોલીસ અધિકારીએ તેની સાથે બે વાર દુષ્કર્મ કર્યા હોવાની વિગતો લખી હતી તેમજ અધિકારીનું નામ લખ્યું હતું. બાદમાં અધિકારીનો ફોટો મહિલાને બતાવતા મહિલાએ ફોટાવાળા અધિકારીએ તેની સાથે કોઈ ખોટું કામ કર્યું નથી, તેવું જણાવતા આરોપીઓએ ગુપ્ત ચર્ચા કર્યા બાદ બીજા એક અધિકારીનું નામ નક્કી કરી તે નામ એફિડેવિટમાં સુધારો કરી લખાવ્યું હતું અને 28મી જાન્યુઆરી 2023 ના રોજ મહિલાની જાણ બહાર તેની સહી કરાવી લીધી હતી.
મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન : 30મી જાન્યુઆરી 2023 ના રોજ મહિલા પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મામલે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપવા માટે જવાની હતી. તે વખતે જી.કે પ્રજાપતિ અને હરેશભાઈએ મહિલાને ગમે તેમ કરીને મેજિસ્ટ્રેટ સમક્ષ રૂબરૂ હાલ નિવેદન આપવા ન જવા માટે સમજાવી હતી અને તેને મેજિસ્ટ્રેટ સમક્ષ બેભાન થઈ જઈ મુદ્દત પડાવવા માટે સમજાવી હતી. હરેશે આ કામ માટે મહિલાને ઊંઘની ગોળીઓ ખવડાવી મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી હતી અને તેના નિવેદનમાં કોઈ પોલીસ અધિકારીનું નામ હાલ પૂરતું ન લખાવવા માટે દબાણ કર્યું હતું અને કહ્યું હતું કે જો કોઈ પોલીસ અધિકારીનું નામ લખાવશો તો અમારું બધું કામ બગડી જશે અને અમે તમને કોઈ જાતની મદદ કરી શકીશું નહીં. જેના કારણે મહિલા ડરી જતા તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લખાવતી વખતે કોઈ પોલીસ અધિકારીનું નામ લખાવ્યું ન હતું.
એફિડેવીટમાં નવા ફકરા ઉમેરી દીધાં : જે બાદ મહિલાની જાણ બહાર એફિડેવીટમાં નવા ફકરા ઉમેરીને મહિલાને વંચાવ્યા વિના જ પહેલી ફેબ્રુઆરી 2023 ના રોજ પરિવાર મહિલાની સહી કરાવીને બંગલામાં રહેનાર વ્યક્તિ પોલીસના અધિકારી ન હોવાનું જાણતા હોવા છતાં આરોપીઓ એક કાવતરું ઘડીને પોલીસ અધિકારીને દબાણમાં લાવીને તેઓની પાસેથી બળજબરીથી આઠ કરોડ રૂપિયા પડાવવાનું ષડયંત્ર રચ્યું હતું. જેના માટે હરેશ જાદવ અને મહેન્દ્રસિંહ પરમાર ઉર્ફે રાજુ જેમિની દ્વારા એફિડેવિટમાં જણાવેલા પોલીસ અધિકારીનો સંપર્ક કરવા માટે જે તે પોલીસની કચેરીઓમાં કામ કરતાં અન્ય અધિકારીઓનો સંપર્ક કરી ઉપરી અધિકારીને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાનો ડર ઉભો કરી તે અધિકારી પાસેથી પૈસા પડાવવા માટે દબાણ ઊભું કર્યું હતું.
મહિલાના ઇન્ટરવ્યૂ કરાવી દબાણ લાવવાનો કારસો : આ સમગ્ર મામલે જી.કે પ્રજાપતિ અને હરેશ જાદવે સમગ્ર ષડયંત્રના ભાગરૂપે મહેન્દ્ર પરમાર ઉર્ફે રાજુ જેમીની અને આશુતોષ પંડ્યા અને કાર્તિક જાની નામના પત્રકારો સાથે સાઠગાઠ કરી હતી અને મહિલાના ઇન્ટરવ્યૂ કરાવીને પોલીસ અધિકારીને દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
પત્રકારોને રુપિયાની લાલચ આપી ઉપયોગ કર્યો : આ ઘટનાને લઈને ગુજરાત એટીએસએ ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં બળજબરીથી પૈસા પડાવવા માટે કાવતરું રચનાર પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં જી.કે પ્રજાપતિ, હરેશ જાદવ, મહેન્દ્ર પરમાર ઉર્ફે રાજુ જેમીની, આશુતોષ પંડ્યા અને કાર્તિક જાનીને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ બંને પત્રકારને 5 લાખ રૂપિયા આપવાનું કહીને તેઓનો ઉપયોગ કર્યો હતો. આ મામલે ભાજપના ઓબીસી મોરચાના સ્થાનિક નેતાનો પણ નામ સામે આવતા નેતા અને પત્રકારોએ સાથે મળીને સિનિયર પોલીસ અધિકારીઓને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવતા સમગ્ર ઘટનાની તપાસ ગાંધીનગર એસઓજી ક્રાઈમને સોંપી હતી. ત્યારે હવે આ મામલાની તપાસ અમદાવાદમાં મહિલા ACP ને આપવામાં આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મહિલા પોલીસમાં ફરિયાદ સોંપાઇ : આ અંગે મહિલા ક્રાઈમ બ્રાન્ચના ACP હિમાલા જોશીએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બની હોવાથી ઝીરો નંબરથી ફરિયાદ ચાંદખેડા પોલીસ મથકે નોંધાઈ છે અને પોલીસ કમિશનર દ્વારા મહિલા પોલીસને તપાસ આપવામાં આવતા આ ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.