અમદાવાદ : અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. રામોલ પોલીસે ગણતરીના દિવસોમાં જ ગુનામાં શામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મૃતક દ્વારા આરોપીઓને જીપીસીબીના અધિકારી તરીકેની ઓળખ આપીને 1 લાખ રૂપિયા માંગ્યા હોય જેના કારણે આરોપીઓએ ભેગા મળી મૃતકને માર મારતા તેનું મોત નીપજ્યું હતું.
પૈસાની માંગણી કરતા તેને માર મારવામાં આવ્યો હતો : રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી શાલીમારની ચાલીમાં થોડાક દિવસ પહેલા વિષ્ણુ ઠાકુર નામના યુવકને અમુક લોકોએ ઢોર માર માર્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજતા આ મામલે રામોલ પોલીસને જાણ થઈ હતી. રામોલ પોલીસે આ બાબતને લઈને સ્થળ ઉપર જઈને તપાસ અને પૂછપરછ કરતા યુવક પોતે જીપીસીબીના અધિકારી તરીકેની ઓળખ આપી અલગ અલગ ફેક્ટરીમાં જતો હતો અને પૈસાની માંગણી કરતો હોય અને તે જ પ્રકારે તે આ વિસ્તારમાં પણ પૈસાની માંગણી કરતા તેને માર મારવામાં આવ્યો હોય તે પ્રકારનું સામે આવ્યું હતું. રામોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
રામોલમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓએ થોડાક સમય પહેલા જ ભાગીદારીમાં ડાઈંગ ફેક્ટરી શરૂ કરી હતી. મૃતકે તેઓને ડરાવી ધમકાવી પોતે જીપીસીબીનો અધિકારી હોવાની ઓળખ આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો અને જેના કારણે આરોપીઓએ તેને સબક શીખડવા માટે અપરણ કરીને માર માર્યો હોય અને તેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ મામલે અન્ય આરોપીઓની પણ તપાસ ચાલુ છે... કુણાલ દેસાઈ (એસીપી, અમદાવાદ શહેર પોલીસના આઇ ડિવિઝન)
રેઇડ પડાવીને કારખાના બંધ કરાવતો : આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં સામે આવ્યું હતું કે મૃતક વિષ્ણુ ઠાકોર ગેરકાયદે કારખાના ચલાવનારા કે જેઓ પર્યાવરણને નુકસાન કરતા હોય અને કેમિકલ જેવા પ્રવાહી ગટરોમાં નાખતા હોય તે કારખાના વાળા વિરુદ્ધ કાર્યવાહી કરાવી રેઇડ પડાવીને કારખાના બંધ કરાવતો હતો. કારખાના ફરી ચાલુ રાખવા હોય તો પૈસા આપવા પડશે તેવી માંગણી કરતો હતો. તે જ રીતે આ આરોપીઓ પાસેથી પણ પૈસા પડાવવાનો પ્રયાસ કરતા આરોપીઓએ ભેગા મળીને વિષ્ણુ ઠાકોરની સીટીએમ ચાર રસ્તા પાસે એક ચાની કીટલીએ બોલાવ્યો હતો. ત્યાંથી રિક્ષામાં અપહરણ કરી શાલીમારની ચાલીએ લાવી તેને લાકડાના દંડા તેમજ તીક્ષણ હથિયાર વડે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી હતી.
ત્રણ આરોપીની ધરપકડ : આ મામલે પોલીસે ગુનામાં સામેલ જમીલખાન ઉર્ફે જમશેદ પઠાણ, ફુરકાન ખાન તેમજ નૌસાદ અલી સૈયદ નામના રામોલના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે મૃતક વિષ્ણુ ઠાકોરે તેઓને ફોન કરીને પોતે જીપીસીબીના અધિકારી હોવાની ઓળખ આપીને એક લાખ રૂપિયાની માંગ કરી હતી. અવારનવાર ફોન કરીને હેરાન કરવામાં આવતા હોઇ આરોપીઓએ સીટીએમ ખાતે વિષ્ણુ ઠાકોરને બોલાવી પૈસા આપવા માટે લઈ જવાનું કહીને રિક્ષામાં બેસાડ્યો હતો અને તેને શાલીમારની ચાલીમાં લઈ જઈને માર માર્યો હતો.
બે આરોપીઓ વોન્ટેડ : જોકે આ કેસમાં હજુ પણ બે આરોપીઓ વોન્ટેડ હોય તેઓને પકડવા માટે રામોલ પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરી છે. આ ગુનામાં સામેલ આરોપીઓ દ્વારા અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવી છે કે કેમ તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતક દ્વારા અગાઉ પણ આ રીતે કારખાનાવાળાઓ પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હોય અને દાણીલીમડામાં પણ તે ઝડપાયો હોઇ રામોલ પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે. તેની પાસેથી એક બોગસ આઈકાર્ડ પણ મળી આવ્યું હતું જે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.