● અમદાવાદ શહેર લોકસભા મતક્ષેત્રની ભાજપની બેઠક મળી
● ચૂંટણી ઇન્ચાર્જ આઈ.કે.જાડેજાએ કાર્યકરોને આપ્યું માર્ગદર્શન
● મંડળ સ્તરે અને બુથ સ્તરે આગામી કાર્યો થશે
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને અમદાવાદ શહેર ભાજપની બેઠક યોજાઇ હતી. અમદાવાદ શહેરમાં લોકસભાની સીટો અમદાવાદ પશ્ચિમ, અમદાવાદ પૂર્વ, ગાંધીનગર લોકસભાનો સમાવેશ થાય છે. તે મુજબ ભાજપે ત્રણ બેઠક યોજી હતી. જેમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ. કે.જાડેજા ઉપસ્થિત હતા. ભાજપ શહેર પ્રમુખ, સંસદસભ્ય, ધારાસભ્ય વગેરે પદાધિકારીઓએ આ બેઠકોમાં ભાગ લીધો હતો.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ અમદાવાદ શહેરમાં ઐતિહાસિક જીત મેળવશે
ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે.જાડેજાએ જણાવ્યું હતું કે, બેઠકમાં સરકારના કાર્યોને જન-જન સુધી પહોંચાડવાનું કાર્ય કરવા જણાવાયું છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કર્ણાવતી મહાનગરમાં ભાજપ ઐતિહાસિક રીતે વિજય પ્રાપ્ત કરશે. બુથ અને શક્તિકેન્દ્રમાં કાર્ય કરવાનું છે. તેમજ પેજ કમિટીઓ બનાવીને વોર્ડ જીતવા સંગઠન મજબૂત કરવાનું કાર્ય કરવાનું છે. દરેક વોર્ડની ચારેય બેઠકો જીતવા ભાજપ પ્રયત્નશીલ છે. આગેવાનો અને કાર્યકરો વચ્ચે સીધી ટુ વે બેઠક યોજાઇ છે. પ્રદેશે જે પ્રમાણે કાર્યક્રમો અને લક્ષ્ય નક્કી કર્યા છે, તેને પુરા કરવાના છે.
શહેરની મંડળ પ્રમાણે સંકલન સમિતિઓની બેઠક યોજાશે
બે દિવસની અંદર પ્રત્યેક મંડળની અંદર સંકલન અને બૃહદ સંકલન સમિતિની બેઠકો યોજાશે. જેમાં 10-12 આગેવાનો જેમાં સંસદસભ્ય, ધારાસભ્ય વગેરેનો સમાવેશ થાય છે. તેમની સાથે 10-12 કાર્યકરો ભાગ લેશે.
આ લોકશાહી છે, કોઈપણ પાર્ટી ચૂંટણી લડી શકે છે
કોંગ્રેસ દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પર પ્રહાર કરાતા આઈ. કે. જાડેજાએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ હતાશ અને નિરાશ થઈ ગઈ છે. પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ રણ મેદાનમાંથી ભાગી ચુકી છે. આ લોકશાહી છે અને તેમાં ઓવૈસીની પાર્ટી આવે તેનાથી ભાજપને કોઈ ડર નથી. કારણ કે, ભાજપને તેના કાર્યકરોની શક્તિ ઉપર વિશ્વાસ છે. કોંગ્રેસે ભૂતકાળમાં કોમી રમખાણો અને વોટબેન્કની રાજનીતિ કરી હતી, તે ગુજરાતી પ્રજા ભૂલી નથી.