અમદાવાદ અત્યારે આપણે બધા ખૂબ જ આધુનિક થઈ ગયા છે, પરંતુ આજે પણ કેટલાક લોકો વર્ષો જૂની અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે. ને કેટલાક લોકો આ અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં. આ મામલે સાસુએ પોતાની પુત્રવધુ સામે તેના દિકરાને મારી નાખવા બ્લેક મેજિક કરતી હોવાની ફરિયાદ નોંધાવી ગંભીર આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચો છોટા ઉદેપુરમાં ડાકણનો વહેમ રાખવાની અંધશ્રદ્ધાએ લીધો પોતાના જ કાકી સાસુનો ભોગ
વર્ષ 2015માં થયા હતા લગ્ન ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 58 વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના દિકરાના લગ્ન વર્ષ 2015માં એક યુવતી સાથે થયા હતા. ત્યારબાદ પુત્ર અને પુત્રવધુ વચ્ચે અવારનવાર બનાવ બનતા હતા અને પુત્રવધુએ ફરિયાદો કરતા કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ તેમના પરિવારને ખોટી ફરિયાદો કરીને તેમ જ બ્લેક મેજિક થકી મારી નાખવાની પ્રવૃત્તિ પુત્રવધુ દ્વારા કરવામાં આવી હતી.
પુત્રવધુ ગેરકાયદેસર ઘરમાં ઘુસી ફરિયાદના આધારે, ફરિયાદી મહિલાની સોસાયટી અને ઘરમાં 23 જુલાઈ 2022ના રોજ રાત્રે 1.30 વાગ્યે પુત્રવધુએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરની દિવાલ પર લીંબું અને ચાકુ સહિતની વસ્તુઓ રાખી તાંત્રિક કાલા જાદુ પદ્ધતિઓની પ્રવૃત્તિ કરી ફરાર થઈ ગઈ હતી. આ મામલે ફરિયાદીને ઘરના CCTV કેમેરામાં આ તમામ પ્રવૃત્તિ જોવા મળી હતી. આના કારણે તેમને માનસિક ત્રાસ મળતા અને પરિવારના મગજ પર આઘાત લાગે તે રીતે હાની પહોંચાડવા માટેની ફરિયાદ 100 નંબર પર કરી હતી. ત્યારબાદ તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનને ફરિયાદ કરી હતી.
પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આક્ષેપ ચાંદખેડા પોલીસે તેમની ફરિયાદની ગંભીરતા ન લઈને અને તાત્કાલિક ધોરણે તપાસ ન કરી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ તેમણે સોસાયટીના ગેટના CCTV ફૂટેજ મેળવી ચાંદખેડા પોલીસને બતાવ્યા હતા. ફરિયાદી મહિલાની પુત્રવધુએ થોડા દિવસો પછી તેમના નાના દિકરાને ફોન કરીને ધમકીઓ આપી હતી, છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો અંધશ્રદ્ધાનો ભોગ બનેલી પરિણીતાએ સાસરિયાંને ભણાવ્યો પાઠ, પોલીસને વર્ણવી આપવીતિ
પોલીસ કમિશનરને કરી હતી જાણ અંતે મહિલાએ 26 જુલાઈ 2022ના રોજ અને 29 જુલાઈ 2022ના રોજ રજિસ્ટર પોસ્ટ મારફતે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને આ અંગે જાણ કરી હતી. બાદમાં પણ તેમણે અવારનવાર ઈમેલ થકી તેમ જ વિવિધ માધ્યમથી પણ અરજીઓ કરી હતી. તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા તેમણે કોર્ટમાં ફરિયાદ કરી હતી. ને કોર્ટે આ અંગે પોલીસને ગુનો દાખલ કરવાનો આદેશ કરતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ચાંદખેડાના PIએ આપી માહિતી આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI વી. એસ. વણઝારાએ ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મામલે ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી મહિલાએ પણ ફરિયાદિના પરિવારજનો સામે 2 ફરિયાદ નારણપુરા પોલીસ મથકે નોંધાવી છે. ત્યારે ફરિયાદના પગલે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.