અમદાવાદઃ અમદાવાદ શહેરમાં હવે બેસવાના બાકડા પર ક્યારે કોઈ કાર ચડી આવે એનું નક્કી નથી. એ પણ રાત્રીના સમયે. મણીનગર વિસ્તારમાં કાર અકસ્માતની ઘટના બની છે. જેમાં નશો કરેલી હાલતમાં કાર ડ્રાઈવ કરી હોવાનું પુરવાર થાય છે. કારણ કે, કારમાંથી એક બીયરની બોટલ મળી આવી છે. કાર અથડાવીને અંદર બેઠેલા ફરાર થઈ ગયા હતા. કાર અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. ઈસનપુર વિસ્તારમાં રહેતો કેદાર દવે નામનો યુવક નશો કરીને ડ્રાઈવ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જે ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે આ અકસ્માત અંગેની કાયદેસરની ફરિયાદ દાખલ થઈ છે.
કારમાં કોણઃ આ કારમાં કુલ ત્રણ વ્યક્તિઓ બેઠેલી હતી. એ પણ નશામાં હોવાનું જાણવા મળે છે. આ અંગે મણીનગર પોલીસે અલગથી કેસ ફાઈલ કર્યો છે. જ્યારે કાર ચાલવનારાની ટ્રાફિક પોલીસે અટકાયત કરી લીધી છે. પ્રીત સોની, ઋત્વિક માંડલિયા અને સ્વરાજ જાદવ નામના ત્રણ વ્યક્તિઓ આ કારમાં બેઠા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરના પગલાં લીધા છે.
ત્રણ દિવસમાં બીજી ઘટનાઃ તથ્ય પટેલનો કાર અકસ્માત થયાના ત્રણ દિવસમાં આ બીજી મોટી ઘટના સામે આવી છે. પણ રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી કે કોઈનું મૃત્યું થયું નથી. જોકે, પોલીસે આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ શોધવા પણ ટીમ તૈયાર કરી દીધી છે. મીડિયા રીપોર્ટ અનુસાર બાકડે બેઠેલી વ્યક્તિઓએ પોતાની સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવી લીધો હતો. જોકે, વાવડ એવા પણ મળ્યા છે કે, આ ઘટનામાં કાર ચાલકને ઈજા પહોંચી હતી.