અમદાવાદ : શાહપુર વિસ્તારમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમાં શાહપુર નજીક રહેતા વર્ષીય ગુલામ હુસેન અબ્દુલ રહીમ મોમીન નામના વૃદ્ધ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક AMTS બસની અડફેટે વૃદ્ધનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટના અંગે જાણ થતાં પરિવારજનો અને ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આ મામલે ગુનો દાખલ કરવા અને કાર્યવાહી કરવા અંગે પરિવારે ઈન્કાર કર્યો હતો. ઉપરાંત મૃતકનું PM કરાવવાનો પણ ઇન્કાર કરી એફિડેવીટ કરવામાં આવ્યું હતું.
વૃદ્ધ યુગલ મોતને ભેટ્યા : બીજી અકસ્માતની ઘટના બપોરના સમયે ઓઢવ રીંગરોડ પર બની હતી. ઓઢવ રીંગરોડ પર પામ હોટલ સામે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કલોલના મોટી ભોયણ ખાતે રહેતા વૃદ્ધ તેમજ હાજીપુરના પુરુષ અને વૃદ્ધ મહિલાને ટ્રક ચાલકે અડફેટે લેતા ત્રણેયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બે લોકો ગુરૂપુનમ ભરીને હાથીજણ લાલગેબી આશ્રમથી મોટી ભોયણ પરત ફરી રહ્યા હતા. તે સમયે અજાણ્યા ટ્રક ચાલકની અડફેટે આવી જતા રસ્તા પર પટકાતા બંનેનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં 66 વર્ષીય ઠાકોર દલાજી અને 60 વર્ષીય મંગુબેનનું મૃત્યુ થતા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.
બેફામ વાહનચાલક : આ ઉપરાંત કોમર્સ છ રસ્તા પાસે એક યુવતીએ ત્રણથી ચાર વાહનચાલકોને અડફેટે લીધા હતા. યુવતીને પોલીસે પકડતા પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું હતું. જોકે, તે કેસમાં યુવતી માનસિક અસ્થિર હોવાનું જણાવીને સમાધાન કરવામાં આવ્યું હતું.
વહેલી સવારે શાહપુરમાં અકસ્માત થયો હતો. જેમાં વૃદ્ધનું મોત થયું છે. જોકે પરિવારજનો દ્વારા એફિડેવીટ આપીને આ મામલે કાર્યવાહી કે ગુનો દાખલ કરવાની ના પાડવામાં આવી હતી. આથી પોલીસે ગુનો દાખલ કર્યો નથી.-- અશોક રાઠવા (ટ્રાફિક ACP)
પોલીસ તપાસ : ઓઢવમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના અંગે I ડિવિઝન ટ્રાફિક PI આઈ.ટી દેસાઈએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, બપોરના સાડા બાર વાગે આસપાસ બન્ને વૃદ્ધ મોટર સાયકલ પર પસાર થઈ રહ્યા હતા. જે સમયે આ ઘટના બની છે. હાલ આ મામલે ગુનો નોંધી જવાબદાર વાહન ચાલકને પકડવા માટેની તજવીજ ચાલુ છે.